saday-desh-kal-sarkha-n-hoy

ભક્ત દર્શન

સદા દેશકાળ સરખા ન રહે

By Shastri Surya Prakash Dashji

October 25, 2016

        “સદા દેશકાળ સરખા ન રહે” : નિત્યાનંદ. અરે! દેવલોકમાં પણ સદાય સરખા દેશકાળ રહેતા નથી. દશે લોકનો નાયક દેવરાટ્ ઇન્દ્ર પણ એક દિવસ હેરાન થઇ ગયો હતો. એટલે દેશકાળ સરખા ક્યારેય રહેશે નહીં પણ આ સત્સંગમાં અને સર્વે અવતારોને સમયે સમયે ધારણ કરનારા આ શ્રીજી મહારાજ એમનાંમાં જેની સદાય એક સ્થિતિ રહેશે એમનો યશ આ બ્રહ્માંડમાં અખંડ રહેશે.

        શ્રીજી મહારાજ અનંતકાળ સુધી બદરીકાશ્રમમાં અનેક ઋષિમુનિઓ સંગાથે અઘોર તપશ્ચર્યા કરે છે. શ્રીજી મહારાજ જળે, સ્થળે, પર્વતે અને અન્નત બ્રહ્માંડોમાં રહેલ જડ અને ચેતન એમાં વ્યાપીને રહેલા છે. આ ભગવાન ક્યારેક હાથમાં પુષ્પ રાખે છે, ક્યારેક ધનુષ રાખે છે, ક્યારેક સુદર્શન ચક્ર રાખે છે, ક્યારેક ગદા અને વેદ રાખે છે અને ક્યારેક સુંદર મજાની મોરલી રાખે છે.

         આવાં અનેક રૂપોમાં ભગવાન ભક્તોને દર્શન આપે છે. આવું જે આ સત્સંગમાં આવીને સમજશે તેનો પાયો પાકો કહેવાશે અને તેજ મહારાજના અક્ષરધામમાં મહારાજનું સુખ લેવા અને અનાદિમુક્તોનાં દર્શન કરવા પહોંચી શકશે. મુક્તોની સાથે મહારાજની સેવા કરવામાં ભગવાન તેને લાયક બનાવશે. એવા સંતમાં કે ભક્તમાં, હે સંતો!કાળ માથે પગ મુકવાની સામર્થી આવશે. એવા દ્રઢ નિશ્ચયવાળાને કાળ પણ કાંઈ કરી શકશે નહીં. કાળ તો એવા સંતોની આજ્ઞામાં રહીને કામ કરશે.

       આવી સમજણ વાળા સંતોની જે સેવા કરશે તેની સેવા ભગવાનની સેવા કરવાથી જે ફળ મળે તેથી વિશેષ ફળ મળશે.જે આવા સંતોમાં વિશ્વાસ રાખશે અને તેમની આજ્ઞામાં રહેશે તો તેનો ભવ આપો આપ સુધરી જશે.

       મહારાજની મૂર્તિમાં તલ્લિન થયેલા ભગવતોને બીજા કોઈનો રંગ લાગતો નથી અને જે રંગ લાગ્યો હોય એ કદી ઉતરતો નથી. એવા સંતોને માન આપો કે અપમાન કરાવો એનાથી કદી સુખી કે દુઃખી થતા નથી. એતો સાચા આત્મનિવેદી વૈષ્ણવના રંગમાં રંગાયેલા હોય છે. એમને બીજો કોઈ જેવો તેવો રંગ અડતો નથી. સંતો! આવો નિશ્ચય હોય તો અંતરમાં કદી દેશકાળ બદલાય નહીં. તમો બધા એવા થવા પ્રયત્ન કરજો તોજ શ્રીજી મહારાજ રાજી થશે અને તો જ નારદના જેવી કે સનકાદિકના જેવી પદવી મળશે.