સત્સંગ વિના સંત અને ભગવાન ઓળખાય નહીં અને સાચા સંતના સમાગમ વિના ભગવાનના ભક્ત અને અસુર ઓળખાય નહીં. સત્સંગ વિના વિવેક પણ આવતો નથી.સત્સંગ વિના સંત કે શાસ્ત્રો સમજાતાં નથી. સત્સંગ વિના ભગવાન સામાન્ય વ્યક્તિ ભાસે.
સંત સમાગમ કરવા છતાં પણ દેવ અને દાનવની રીત ભાત જાણી શકાય નહીં તો હજુ બરાબર સમાગમ નથી. સંત સમાગમથી કાગડો અને કોયલ જુદાં પડી જાય છે. સોનું અને પીતળ જેમ સોનીના સહવાસે ઓળખાય તેમ દુર્જન અને સજ્જન સાચા સંતના સહવાસે ઓળખાય. કાંટા તો ગુલાબમાં હોય અને કટારામાં પણ હોય એતો જાણકારના સહવાસે તેનાં રૂપ, રંગ, ઘાટ અને સુગંધથી ઓળખાય.
ગુલાબ તો મહારાજ પોતાના હાથમાં રાખે અને કટારાને તો કુંભાર નિભાડામાં માટીનાં બનાવેલાં ઠીકરાં પકાવવામાં વાપરે અને એ પણ પૂરે પુરા સુકાઈ જાય પછી વાપરે. એમ ભક્તનો અને અભક્તો વપરાશ ક્યાં કોણ કરે એને તે જાણકાર અને મહારાજની દાસભાવે સેવા કરનારા સાચા સંત અને સદગુરુ જાણે છે. માટે હે ભક્તો! આપણે હમેશાં સાચા સંતોનો ભાવથી અને જાણપણાથી સમાગમ કરવો.