વ્યક્તિ સુધારો

વ્યવહાર દર્શન

વ્યક્તિ સુધારો

By Shastri Surya Prakash Dashji

December 02, 2016

          લોકોની એવી અણસમજણ છે કે આપણે સમાજને સુધારવા સખત પ્રયત્ન કરતા રહ્યા છીએ છતાં પરિણામમાં કાંઈ વિશેષ દેખાયું નથી. મિત્રો! શાસ્ત્રો અને સંતો એમ કહે છે કે જ્યાં સુધી પોતાને સુધારવામાં નહિ આવે ત્યાં સુધી સમાજ સુધારવાનો નથી.સમાજ આપણા જેવી વ્યક્તિના સમુદાયથી છે. જયારે વ્યક્તિને સુધારવાનો પ્રયાસ નથી ત્યારે સમાજને સુધારવાનો પ્રયાસ એ કદાચ ખોટો ડોળ હશે.

         વ્યક્તિના સમૂહથી સમાજ થાય છે અને સમાજના સમુહથી જ રાષ્ટ્ર નિર્માણ થાય છે અને રાષ્ટ્રના સમુહથી વિશ્વ કહેવાય છે. આ વિશ્વને કે રાષ્ટ્રને સુધારવા માટે કોઈ જ વ્યવસ્થા કામયાબ થઇ શકે નહિ, કારણ કે સુધારાનો શુભારંભ વ્યક્તિથી જ થાય છે.સુધારવાનો શુભારંભ પોતાથી થાય. જ્યાંસુધી વ્યક્તિને સુધારવાનો શુભારંભ નહિ થાય ત્યાં સુધી સુધારો એ એક ભ્રમણા જ બની રહેશે. રાષ્ટ્રને કે સમાજને સુધારવા માટે ન કોઈ કાનુન કામ લાગી શકે કે ન કોઈ નિયમ.

        હું બધે કુલક્ષણે પૂર્ણ હોંઉ તો કઈ રીતે બીજાને સુધારી શકીશ? દરેક મનુષ્ય જાણે છે કે ચોરી કરવી, વ્યભિચાર કરવો, હિંસા કરવી, અપેય પીણાઓ પીવાં એ એક અપરાધ છે છતાં તેને માણસ દુર કરી શકતો નથી.તેને દુર કરવા ઠેક ઠેકાણે ભાષણો અપાય છે,વિવિધ ભાષાઓમાં અને વિવિધ સ્થળેથી લખાણો પણ થાય છે.અનેક જગ્યાએ નિયમો પણ બનાવાય છે પણ તેનું પરિણામ નીલ જેવું જોવા મળે છે કારણ કે કહેનારાનું વર્તન બરાબર નથી.

         સદગુરુ અક્ષરજીવનદાસજી સ્વામીના શબ્દો ચોટદાર છે. “પોતે વર્તતા નથી અને બીજાને તે વર્તાવી પણ શકતા નથી.”

        વિધિની વિચિત્રતા કેવી છે! પ્રભાવી ભાષણો આપનારા, અસરકારક લખાણો લખનારા અને વ્યવસ્થિત નિયમ કે કાયદાઓ ઘડનારા સ્વયં પોટે તે પ્રમાણે વર્તન કરવા તૈયાર નથી. એ નિયમ ઘડનારાને એમ રહ્યા કરે છે કે “આંઉ મણી કે ચાં, મોકે કોઈ ન ચે”.ઘડવૈયાઓ જાતે તો, ચોરી કરવી, વ્યભિચાર કરવો, હિંસા કરવી, અપેય પીણાઓ પીવાં તેને અપરાધ માનતા જ ન હોય તો પોટે તેનું પાલન કરશે? નહીં કરે. જયારે સ્વયં ઘડવૈયા પાલન ન કરે ત્યારે સમાજ પણ ન કરે. ઘણી વખત એવું જોવા મળે કે ઘડવૈયા તો કેવળ બંધારણ ઘડવામાં, તેને પોષક બનાવવામાં,તેને અનુસાર લખાણ કરવા-કરાવવામાં અને તેનો પ્રચાર-પ્રસાર કરાવવામાં પાવરધા હોય છે.

        મિત્રો! લેખકો, પ્રવચન કર્તાઓ અને અપરાધ વિષયક કાયદા ઘડનારા ધારાશાસ્ત્રીઓ, સ્વયં પોતે અપરાધ કરવો એણે પાપ કે બુરાઈ માનતા જ ન હોય અને તેનાથી તેમને જરા પણ ઘૃણા ન હોય, તો કોને સુધારવા છે? અને શા માટે સુધારવા છે? તે માનવીઓ તો અપરાધને ત્યાગ કરવા ઈચ્છતા નથી. તો મિત્રો! તમો જ કહો સમાજ

         કઈ રીતે સુધરી શકે?અને તેને કોણ સુધારી શકે?

      સમાજના સંચાલકો સ્વયં સંસ્થાની ચોરી કરતા હોય અને પોતાનું ઘરમાનીને રહેવા આવેલી બહેન દીકરીઓ સંગાથે સ્વયં સમાજના સંચાલકો કેળવણીને નામે વ્યભિચાર આચરતા હોય ત્યાં સમાજને સુધારવાની વાત ક્યાં રહી? સમાજને શિક્ષિત કરવાની વાત ક્યાં રહી?સમાજ કાર્યકર્તાઓને સમાજને શું ચોરી,વ્યભિચાર, હિંસા અને પાપાચાર શીખવવો છે?

       જેને અપેય પીણાઓ, જેમકે વીસ્કી, બ્રાન્ડી વિગેરેમાં દોષ દેખતા ન હોય તેવા સંતો કે સુધારકો કોને કોનાથી બચાવવા છે?અને એ કેવી રીતે વ્યક્તિને સુધારી શકશે?

      સમાજના સંચાલકો,દેશના નેતાઓ અને ધર્મના ધુરંધરો સ્વયં પોતાની મિલકતની ચોરી કરે અને સંસ્થાની મિલકતની ચોરી કરે અને ભોળી કુમારીઓ સાથે વ્યભિચાર કે અશ્લીલ આચાર આચરે અને સમાજને અને સત્સંગને,ધર્મને અને દેશને વિકાસના પંથે લઇ જવાના બણગાઓ ફૂંકે એમની કોને અસર થાય?

      એક કથાકારની વાત અહી નોંધુ છું.. એ કથાકાર દેખાવે બહુ સારો અને પ્રભાવી વક્તા હતો. હજારો શ્રોતાગણ તેમની વાણી સાંભળવા ક્ષણવારમાં એકત્રિત થઇ જતા. કથામાં લીધેલ કોઈ પણ વિષય એટલો સ્પષ્ટ કરે કે સાંભળનારનાં હૈયાનાં રગેરગમાં તે કોતરાઈ જ જાય.

       એક વખત કથાકારે ‘અમારા આશ્રિતોએ કદી વ્યભિચાર કરવો નહી’ તેની વાત લીધી. વાત કરતાં કરતાં એટલે સુધી પહોંચી કે ત્યાં આવેલી નગરવધુઓ પણ ગભરાવવા લાગી. કેટલીક નગરવધુઓએ તો મનોમન નક્કી કરી લીધું કે ભૂખ્યા રહેવું બહેતર છે પણ વ્યભિચાર તો કદી કરવો નહીં.

       સભામાં બેઠેલ કેટલીક વિશ્વાસુ બાઈઓ વક્તાશ્રીના જાળમાં પહેલેથી સપડાઈ ગઈ હતી. તેને ખબર જ નહોતી રહી કે જે અમો આચરી રહ્યાં છીએ તે કેવું પાપ કરી રહ્યા છે. તેમને જયારે ખબર પદી ત્યારે તેમની આંખ ઊઘડી ગઈ.

       બીજે દિવસે એ વિશ્વાસુ બહેનો તેને ત્યાં ન ગઈ. તો તે સામેથી તેને ઘેર ગયો. દરવાજો ન ખુલતાં ત્યાં વિગતવાર વ્યભિચારની વાત કરી કે વ્યભિચાર કરવો એ પાપ છે પણ  કથાકાર એ સાક્ષાત ભગવાનનું રૂપ છે માટે તેને પોતાનું શરીર અર્પણ કરવું એમાં તો ભગવાનનો અતિશય રાજીપો છે, આવી તક જે ચુકી જાય એતો મહા અભાગી જીવ છે.આવી વાતો કરી ફરી તેને વ્યભિચારમાં સપડાવી.કહો આવા વક્તા કે આવા સમાજના સંચાલકો શું સમાજને આપવાના હતા? સમાજને દોષના દરિયામા ડુબાડવા સિવાય શું સારું કરવાના છે?

      આ લખાણ કે સંબોધન કોઈકને જરૂર કઠિન અને ભારે લાગશે પણ હકીકત આપણને સ્વીકારવી જ પડશે.

જીવનને ઝેરથી બચાવવું