વચને પ્રવૃત્તિ એજ નિવૃત્તિ

સત્સંગ દર્શન

વચને પ્રવૃત્તિ એજ નિવૃત્તિ

By Shastri Surya Prakash Dashji

October 25, 2016

        ગુણાતિતાનંદ સ્વામીએ વાત કરી જે મહારાજે આપણને નિવૃત્તિ માર્ગમાં જોડ્યા છે. એ કેવી નિવૃતિ તો ભગવાનની આજ્ઞામાં રહી પ્રવૃતિ કરવી. ભગવાનની આજ્ઞા વિરુધ નિવૃતિ પણ મહારાજની પ્રસન્નતા અપાવશે નહીં. ભગવાનની આજ્ઞામાં રહી જે  જે પ્રવૃતિ કરવામાં આવશે તે સર્વે નિવૃતિ કહેવાશે.

     આ સત્સંગમાં કેટલાક અસુરો છાના વેશ ધારીને પડ્યા છે તેનાથી અંતર જોડતા નહીં. એ અસુરો મહાજનને પ્રધાન નહીં ગણી પોતાને પ્રધાન ગણાવે છે. ભગવાનની પ્રધાનતા હટાવી અને પોતાની પ્રધાનતા બતાવે છે. હિરણ્યકશિપુ પોતાનું કહ્યું કરાવતો હતો માટે જે કોઈ પોતાને પ્રધાન બતાવે એ અસૂરનું મોટું લક્ષણ જાણવું.

      અસુરને માથે શીંગડાં કે પૂંઠે પૂછડું હોતું નથી.રૂપમાં અને રંગમાં તો બગલો, હંસ જેવો જ હોય છે. એતો આહારે કરીને ઓળખાય અને વિહારે કરીને પારખાય. બગલા જેવાં હશે એ શ્રીજી મહારાજને રામચંદ્રજી ભગવાનથી જુદા પડશે અને કહેશે રામચંદ્રજી ભગવાનને મહાપુરુષ જેવા જાણવા પણ ભગવાન નહીં.

      સર્વોપરી શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર સ્વયં પોટે જ વિવિધ રૂપે પધારે તોય પણ બગલા જેવા હશે એ કહેશે કે રામને તો સીતામાં આસક્તિ હતી. સર્વોપરી મહારાજનાં જ પૂર્વરૂપને આવી ગાળો ભાંડે એને મોટા અસુર જાણવા. મહરાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનના જે જે અવતારો હોય તેમની લીલાઓ ગાવી અને સાંભળવી.

     જુઓને, મહારાજ પોતે છપૈયામાં હતા ત્યારે કેટલાય અસુરો આવી મહારાજને મારવા આવ્યા હતા. ભગવાન પ્રગટ થાય ત્યારે અસુર પણ પેદા થાય છે. એવા અસુરોનાં સંગમાં ચઢી, આવો અમુલખ અવસર ચુકતા નહીં હો.

      મહારાજને અને શ્રીરામચંદ્રજી ભગવાનને જુદા માનનારા અને મનાવનારા શિશુપાલ જેવા ઘણાય અસુરો હજુય થાશે પણ સંતો! તમો હંસની સોબત રાખજો પણ બગલાની પંગતમાં ભળશો નહીં.

      જો ભગવાનના વિરોધી ભેગા હાથ મિલાવશું તો આપણાથી મહારાજના ધામમાં નહીં બેસાય અને જ્યાં ત્યાં રઝળવું પડશે અને જેના તેના હાથના ધોકા ખાવા પડશે. આ સંસારમાં અને જાતની પીડાઓ વેઠવી પડશે અને યમપુરીમાં પણ મેથીપાક મળશે.