રાજર્ષિ પુરુષ

લંડનનો સમ્રાટ જેમ્સ

By Shastri Surya Prakash Dashji

August 06, 2017

રાજા થવા માટે કે પ્રેસિડેન્ટ થવા માટે ઘણાય ઘણું કરે છે પરંતુ જો લક સાથ ન આપે તો બિચારા કોડીની કિમતમાં બજારમાં વેંચાઈ જાય છે. મનના કોડ એમને એમ લટકતા રહી જાય છે.

સત્તા પર આસીન થયા પછી લોકોને પોતાને અનુકુળ કરવા અને લોકોની આત્મીયતા કેળવવી એ કાંઈ છોકરાની રમત નથી. એમને માટે લોહીનું પાણી કરવું પડે છે. લોહીનું પાણી થાય તો દવાખાને દાખલ થવું પડે! એટલે ટૂંકમાં સત્તા પામીને લોકોની સંગાથે આત્મીયતા કેળવવી એ લોખંડના ચણા ચાવવા જેવું અઘરું કામ કહેવાય છતાં ઘણા નાયકો લોખંડના ચણા ચાવી શક્ય છે.

આપને બધા જાણીએ છીએ કે પદવીથી કોઈ મોટો બની જતો નથી.ડીગ્રી લેવાથી તેમનામાં તેવું આવી જાય એ પણ અચોક્કસ છે. પડવી લેવા કાંઈ ચાલ રમવી સહેલી છે પરંતુ પદવીને જીવનમાં ચરિતાર્થ કરવી ઘણી અઘરી છે. આ હકીકતને સમ્રાટ જેમ્સ બરાબર જનતા હતા.

તેણે પોતાની વાત પોતાના એક અંગત સલાહકારને કહી કે આપણી પ્રજા આવક વેરો ભરવામાં ઘણી ગડમથલ કરે છે. એક એવો નુસખો અજમાવીએ કે જેથી લોકોને સંતોષ થાય અને સામેથી લોકો પોતાની મહત્વની આવક આપણી રાજતિજોરીમાં ભરપાઈ કરવા આતુર થાય. આ વાત સલાહકારને ખુબ ગમી ગઈ અને સાથે મળી એક તરકીબ શોધી કાઢી. આ તરકીબ ધનવાનોને ખુબ અનુકુળ આવી અને સામે ચાલી ધનવાનો પોતાની મિલકત સમ્રાટ જેમ્સની તિજોરીમાં ઠાલવવા લાગ્યા.

લંડનના સમ્રાટ જેમ્સે એવું નક્કી કર્યું કે યોગ્ય વ્યક્તિને લોર્ડનો કે ડ્યુકનો ઈલકાબ આપવો. આ ઈલકાબ જેને લેવો હોય તેની અમુક યોગ્યતા હોવી જોઈએ અને જે જે આ બન્ને પ્રકારના ઈલકાબ લેવા ઝંખતા હોય તેને તેને અમુક નિશ્ચિત સંપતિ ઉપહાર તરીકે રાજતિજોરીમાં અર્પણ કરવી. વળી એમ કહેવામાં આવ્યું હતું કે જેને જેને આ પુરસ્કાર લેવા હશે તેને તેને રાજસભામાં હજારો નાયકોની ઉપસ્થિતિમાં આ ઈલકાબો અપાશે પરંતુ એમને પ્રજાહિતમાં પોતાનું મહત્વનું યોગદાન આપવાનું રહેશે.

માનવની સહજ પ્રકૃતિ છે કે પોતાની પાસે કાંઈક હોવું જોઈએ. માનવ કાંઈક પામવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા સામેથી તૈયાર થાય છે. થોડી સંપતી આપવાથી જો મોટો દર્જો મળતો હોય સમાજમાં પ્રતિષ્ઠા વધતી હોય તો એ તક કોઈ ચુકે નહી.

એમ કહેવાય છે કે મર્યાદિત સમયમાં જ રાજતિજોરી ભરાઈ ગઈ! મિત્રો! મને એમ લાગે છે કે જયારે કોઈએ કાંઈક કાર્ય કરવું હોય તો ધનવાનોને કે વિદ્વાનોને અથવા પરમ સાધકોને કોઈ પણ રીતથી હકીકત સમજાવવામાં આવે તો એ કાર્ય સહેજે સહેજે પાર પડી જશે. બાકી સર્વત્ર કાંઈ જેમ્સની નીતિ અપનાવી એવું કાંઈ જરૂર નથી. જે સમયે જેમ્સે પગલું ભર્યું એ સમયે એ પગલું લેવું અત્યંત મહત્વનું હતું. જે રીતે તેણે પોતાનો વિચાર ચરિતાર્થ કર્યો અને રાષ્ટ્રને સમૃદ્ધ કર્યું બસ એજ રીતે જો નિયમ પ્રમાણે રહી આપણા જીવનને સમૃદ્ધ બનાવા પ્રયત્ન કરીશું તો આપણા ઈષ્ટદેવ અતિ પ્રસન્ન થશે.