વીતેલા ભવની કોઈ વાત કરી શકે નહીં. હવે પછી ભોગવવાના ભવની પણ કોઈ સચોટ હકીકત બતાવી શકે નહીં. આવતી કાલની પણ કોઈ વાત ખરી કરી શકે નહીં.
આપણે જયારે ખરું અધ્યયન કરીને જોઈએ તો કાંઈક ખ્યાલ આવે કે વ્યક્તિને કોના કારણે અને કેવી કઠણાઈ ભોગવવાની છે. એ પણ બધાને જાણ હોતી જ નથી. લાખોમાં કોઈકને જ થોડી ખબર હોય છે કે કેવી જિંદગી તેને ગાળવી પડશે અને કેવી મને ગાળવી પડશે.
વડીલોએ જે મિલકત સંપાદન કરી હોય એ મિલકતના પુત્ર અને પૌત્ર જેમ વારસદાર થાય છે તેમ તેમણે જે કોઈ પૂવે અનર્થ અને અત્યાચાર આચર્યા હોય તેમના પણ વંશને વારસદાર થવું પડે છે.
આપણે આજે મનની વાત કરવાની છે કે મન પોતાને કેમ રવાડે ચઢાવે છે છતાં થોડી વિગતવાર વાત સમજીએ તો વધારે સંતોષ થાય.
કોઈ ખેડૂત શિયાળુ પાક પોતે લઇ તરત ઉનાળુ પાક લેવા જમીન બીજાને આપે તો તે નવો ખેડૂત ભલે કાંઈ જાણતો ન હોય તો પણ તેને તે જમીનમાંથી જે મળે તે સહન કરી નિભાવી લેવું પડે છે. જો જમીનમાંથી એવો પાક લીધો હોય કે જેથી જમીન સોષાઈ જોય તો આવનારને તેનો દંડ ભોગવવો પડે. જો શિયાળુપાક એવો લીધો હોય કે જેથી જમીનને ખુબ પોષક તત્વો મળે તો આગંતુક ખેડૂતને તેનો ખુબ લાભ થાય છે.
એક સંસ્કારી અને ધાર્મિક વણિકની વાત જાણવા જેવી છે. માણસ કેવળ પોતે સુખી થાય એ હેતુ માટે કેવા ધંધા કરે છે અને જયારે ફળ મળે ત્યારે કેવો રડે છે એ જોઈએ ત્યારે આંખેથી આપણા આંસુ આવી જાય.
તે વણિક મનથી પવિત્ર અને આચારથી શુધ્ધ હોવા છતાં વિપરીત સંજોગોને કારણે કે નબળી સોબતથી તે કેવો અધાર્મિક અને મિથ્યાભાષી થઇ જાય છે એ અવશ્ય વિચાર માગી લે છે.
માણસ જો સમજ્યા વિના પોતાના મનને વશ થઇ ખોટે માર્ગે દોરાઈ જાય તો પોટે હેરાન થઇ જાય અને પરિવાર બરબાદ થઇ જાય. સમજણ વિના મન માણસને ક્યારે કેવે ઘોડે અને ક્યારે કેવે ગધેડે સવારી કરાવી દે છે, એ જાણ બુદ્ધિશાળી માણસને પણ થતી નથી.
એક એક પેની ભેગી કરી સો રૂપિયા એક દ્વિજે પોતાના પુત્રને યજ્ઞોપવિત સંસ્કાર આપવા
માટે એકત્રિત કર્યા હતા. રૂપિયા ઘણાના હાથમાં ટકતા નથી અને ઘણાના હાથમાંથી ડગતા નથી. આ બિચારો માણસ એવો કે એક તો ગરીબ અને વળી પરંપરાથી આબરુદાર! હાથમાં બે પૈસા આવે એટલે ગમે તેમ કરીને પૈસા પગ કરી જાય. કદી ઘરમાં પૈસા ઠરીઠામ થઈને રહે જ નહીં.
હવે જયારે કપરો સમય આવે ત્યારે ક્યાંયથી કાંઈ મળે નહીં. એટલે આ બ્રાહ્મણને વિચાર આવ્યો કે જ્યાં ત્યાં ભટકી ભટકીને થાકું તોય પાંચ પૈસે મળે નહીં તો હમણા મહા મહેનતે આ માતબર સો રૂપિયાની જબરી રકમ ભેગી થઇ છે તો ચાલ, ‘ઓલ્યા શેઠીયા પાસે થાપણ રાખી આવું.’ એમ વિચારી તે દ્વિજ વાણિયા પાસે જઈ બે ચાર વર્ષ માટે રૂપિયા રાખવાની વાત કરી, એટલે તે શેઠીયાએ તેની વાત સાંભળી સાક્ષીની વાત કરી.
ગામમાં વૃદ્ધ વિધવા બાઈને બોલાવી તેની સાક્ષીમાં રૂપિયા સો શેઠની પેઢીમાં થાપણ પેટે રાખ્યા. આજ કાલ કરતાં ત્રણ વર્ષ વ્યતીત થઇ ગયાં. પોતાના દીકરાને યજ્ઞોપવિત આપવાનો સમય આવી ગયો. યજ્ઞોપવિત સંસ્કારમાં જેટલું ખર્ચ કરવું હોય તેટલું થાય. એ સદગૃહસ્થને મનમાં ઘણા કોડ તો હતા જ. એટલે ગામના દરેક લોકોને મારા દીકરાના યજ્ઞોપવિત સંસ્કાર પ્રસંગે સારું પ્રસંગે સારું ભોજન કરાવું એવો નિરધાર કરી રાખ્યો હતો.
દ્વિજ, પોતાના દીકરાના યજ્ઞોપવિત ઉત્સવ કરવા પોતાના જ થાપણ રાખેલા રૂપિયા શેઠ પાસે લેવા ગયો. સમજણ વિના સો રૂપિયા ના હજારથી લાખ ભરવા પડે છે અને સમજણથી લાખ મળી જાય છે.
શેઠને પોતાના જ મને શેઠને રવાડે ચઢાવ્યો. શેઠને કમત સુજી. મનમાં સચ્ચાઈ ગાયબ થઈ અને લુચ્ચાઈ ઓચીંતી ટપકી પડી. શેઠ પાસે આવી બ્રાહ્મણે જેવી સો રૂપિયાની વાત કરી કે તરત શેઠે તરત મુખોનમુખે પાઠ ચખાવી દીધો!
ઓલ્યા!મહારાજ!તમો આવા સારા માણસ થઇને મારા માથે ખોટો આરોપ નાખો છો? કયા ભવમાં તમે છૂટશો? તમારે તો બીજાને ભલામણ કરવાની હોય કે કોઈ ઉપર ક્યારે ખોટું મિથ્યા કલંક નાખવું નહીં અને તમે પોતે મારા જેવાં પવિત્ર શેઠ માથે આવું જુઠું કલંક નાખવા તૈયાર થયા? તમને જોઈતા હોય તો અત્યારે તમને રૂપિયા પાંચસો આપી દઉં પરંતુ તમે આમ મારી આબરૂના કાંકરા કરો એ કેમ સહન થાય? મહારાજ!ભગવાન સહન નહીં કરે.
વણિકના મને વણિકને કેવે રવાડે ચઢાવ્યો? એનું પાપફળ કોને મળશે એ તો ભગવાન જાણે.વણિકને મળે તો તો સારું કહેવાય પણ તેનું ફળ પુત્ર પૌત્રને મળે તો?
અહીં શેઠના શબ્દોએ બ્રાહ્મણનાં અંતરને કોતરી નાખ્યું! દીલમાં દાવાનળ સળગી ઉઠ્યો. સંકટમાં ફસાયેલો બ્રાહ્મણ જલ્દી જલ્દી પોતાના સાક્ષી પાસે પહોંચી ગયો. બ્રાહ્મણ પોતાના સાક્ષી પાસે પહોંચે તે પહેલાં વિધવા બાઈને લાલચની લપેટમાં વાણિયાએ લઇ લીધી હતી.
બ્રાહ્મણ વિધવા બાઈ પાસે આવે છે ત્યારે માર્ગમાં મનમાં એક વિચાર આવ્યો કે સાક્ષી તરીકે કદી વિધવા બાઈને રખાય નહીં એમ નીતિમાં કહેલું છે. ભગવાન મારું ભલું કરે એની બુદ્ધિ ફેરવે નહીં. જો એની બુદ્ધિ ફેરવી નાખી તો મારે કમોતે મરવું પડશે.
બ્રાહ્મણ ધીરે ધીરે એ વિધવા બાઈ પાસે આવી પહોંચ્યો. બ્રાહ્મણને જોતાં એ ડોસી બોલી કેમ મહારાજ! ઘણે દહાડે પધાર્યા? કહો તમારી શું સેવા કરું? એમ કહી તેને આસન આપ્યું અને પીવા પાણી આપ્યું.
મહારાજને ક્યાં ખબર છે કે આ ડોસી આ નાટક શા માટે કરે છે. મહારાજને ક્યાં ખબર છે કે ડોસી લાંચમાં લપેટાઈ ગઈ છે. તેણે તો મોકો જોઈ ડોસીને વાત કરી કે ઓલ્યા વાણિયામાં પાપ ભરાઈ ગયું છે. મારા રૂપિયાની અનામત તેની પાસે હોવા છતાં મારી લાજ લીધી. મને મહેણું માર્યું કે મહારાજ!તમે મારા માથે મિથ્યાપવાદ આરોપો છો? હવે હું ક્યાં જાઉં?હવે તમે મને ઉગારી શકો એમ છો.
લાંચની લપેટમાં આવતા માણસો શું કરે છે તેનું આ ઉદાહરણ બ્રાહ્મણને જીવનમાં જોવા મળ્યું ન હતું.લાંચમાં આવતા દિવાન પણ ભાન ભૂલી જાય છે. લાંચનો બુરખો પહેરાઈ ગયો તો સ્થાન અને સત્તા બધું ભુલાઈ જાય છે. લાંચમાં આવતાં કોઈ બની બેઠેલો મહારાજા કે પછી મહારાજ્ઞી, મહારાજ કે પછી…,બધું જ ભૂલી જાય છે!
ડોસીએ કહ્યું કે મહારાજ! એ વાણિયાને કોણ સમજાવે? મને તો એ વાતની કાંઈ ખબર નથી. બ્રાહ્મણે કહ્યું કે મા!તમે તો સાક્ષીમાં હતાને? ના ભાઈ ના. મને કાંઈ ખબર નથી. મને તમે ક્યાં પાપમાં નાખો. હું કોઈ આવા લફરામાં પડતી નથી અને કોઈ પાપ મને લાગે એવું કાંઈ કરવા માંગતી નથી.
મહારાજના અંતરમાં ફાળ પડી. કોઈ અંગ કાપો તો લોહી ન નીકળે એવો થીજી ગયેલો ચહેરો અને બધાં અંગ! ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના જેવો ભારે ભૂકંપ થયો હોય અને નગર ભેંકાર બની ગયું હોય, જ્યાં મૃતશરીર ચગદાયેલાં પડ્યાં હોય અને પોતાનો બધો પરિવાર કાટમાળમાં ચગદાઈ ગયો હોય, ત્રણ ત્રણ દિવસ લગણ કોઈ સંબંધીનું એક મૃત શરીર હાથ ન આવ્યું હોય અને જેવી નિરાશા અને હતાશા અંતરને પાગલ બનાવી દે તેમ આ બ્રાહ્મણના અંતરમાં થઇ આવ્યું! જીવનમાં કદી કોઈનો એક પૈસો પચાવ્યો ન હતો, છતાં પોતાની સંગાથે આવું?
મહારાજ પોતાના પાટવી કુંવરનો યજ્ઞોપવિત સંસ્કાર કરી શક્યા નહીં. બે ચાર વર્ષો વ્યતીત પથારીવશ પડ્યા રહ્યા. અકાળે વૃદ્ધાવસ્થાએ ડેરો જમાવ્યો. કાળ આવી મહારાજને ધર્મપુરીમાં લઇ ગયો.
યજ્ઞોપવિત સંસ્કાર અને લગ્ન વિધિ કરાવ્યા વિના બ્રાહ્મણનું મોત થયું હોય તો શેઠ અને વિધવાનારીના ફટકાથી થયું. પવિત્ર બ્રાહ્મણને શેઠીયાએ અને વિધવાનારીએ કમોતે મોત અપાવ્યું. મનના રવાડે ચઢેલાં નરનારીના કારણે એક બ્રાહ્મણ અકાળે કાળને ભેટ્યો.
બ્રાહ્મણપુત્રનાં પાછળથી નાતના કોઈ લોકોએ સર્વવિધિ કરાવ્યો પણ…આ પવિત્ર બ્રાહ્મણને કમોતે મરાવનાર વાણિયો અને એનો પરિવાર તથા વિધવા ક્યાં અને કેવાં ભટકાણા? એ જાણવું બહુ અગત્યનું છે.
મનને રવાડે ચઢેલાં બે પાત્રોએ પરિવારને પરિણામમાં શું આપ્યું? વાણિયા પાસે સંપત્તિ ઘણી હતી અને પરિવાર સારો હતો. પણ અચાનક એવું બન્યું કે વણિકનો મોટો છોકરો બીમાર થયો. ઉપચારો કરાવ્યા. અનેક વૈદ્યોને ઘેર બોલાવ્યા.મંત્ર તંત્ર જાણનારાઓને બોલાવ્યા. જેમ ઉપચાર થાય તેમ પીડા વધે.ન કોઈ દવા કામ લાગે કે ન કોઈ મંત્ર તંત્ર કામ લાગે.
બે વર્ષમાં રૂપિયા ૫૦૦૦નો ખર્ચો કરાવી રીબાઇ રીબાઇને મરણ પામ્યો! જીવન જીવ્યો હોત તો કાંઇક સતોષ થયો હોત! વાણિયાના આંખમાં આંસુ આવ્યા કારણકે મોભી તો ગયો પણ હજુ કર્મે પીછો ન છોડ્યો. ચારે દિકરા પીડાઈ પીડાઈને યમપુરીમાં ગયા. વિધવા બનેલી ચારે ચાર પુત્રવધુઓ પણ વંધ્યા થઇ. પરિવારમાં આવી ઉપાધી આવી પડે ત્યારે વ્યક્તિની આંખ ઉઘડે છે, પરંતુ ત્યારે તે શું કરી શકે? કાંઈ ન કરી શકે.
એક બ્રાહ્મણના સો રૂપિયાનું આવું ફળ હોય? ના, આવું ન જ હોય. વાણિયાએ બ્રાહ્મણના સો રૂપિયા ન હોતા લીધા પણ તેના આત્માની પવિત્રતાને બદનામ કરી પંચમહાપાપ અંતર્ગત ત્રણ ત્રણ મહાપાપ કર્યાં હતાં. ચોરી કરી, મિથ્યાપવાદ નાખ્યો અને રીબાવી રીબાવી હત્યા કરી.
ભગવાનનો પવિત્ર ભક્ત હોય અને નિર્દોષ બ્રાહ્મણ હોય એવા એક બ્રાહ્મણની કેવળ હત્યા કરવાથી સો બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. અહીં તો ત્રણ ત્રણ પાપ કરવામાં આવ્યા.
વણિકને અને પરિવારને જે ભોગવવું પડ્યું એ આપણે ન ભોગવવું પડે એવો પ્રયત્ન કરીએ. વિધવા ડોસીને કોઈ પાણી આપનારો ન રહ્યો. એને કેવળ પચીસ રૂપિયા લાંચમાં મળ્યા હતા. મૃત્યુ પછી પણ કરેલા કરમથી છુટકારો ન મળ્યો.
કેવળ મનની અજ્ઞાનતાને કારણે જે ભોગવવું પડે છે એ અજ્ઞાનતાને આપણે સંતસમાગમે દુર કરીએ. સાગરને કિનારે આપણે જયારે ઊભા છીએ ત્યારે આવી ઘટનાઓ જોઈ અંતરના મહાસાગરમાં ડૂબકી મારી અમૃતરસ માણીએ.
બહારનો વેશ નિવૃતિપરાયણતાનો હોય અને અંતરનો વશ વાસનાથી કલુષીત હોય તો તો મુવા ટાણે એજ અંતરનો કલુષીત વેશ ફરી બહાર આવે છે અને એ આત્માનું ભૂંડું કરી નાખે છે. ભરતજીના જીવનમાં ડોકીયું કરીએ તો તેનો અંત:કાળ જીવનનું સમ્પૂર્ણ વૃતાંત સ્પષ્ટ બતાવે છે. અંત:કાળે મૃગનું બાળક સ્ફૂરી આવ્યું તો સ્વયં ભરતજી મૃગને આકારે થઇ ગયા. લોકો એમ માનતા હતા કે ભરતજીનું અતિશય સારું થયું છે પણ ખરે ખર લોકોનું એ માનવું કેટલું ભૂલ ભરેલું હતું એતો કોઈક ભાગવત જ જાણતા હતા.
ભગવાનથી જ સર્જાયેલો લોકોને મહેનત કરતાં કાંઈ મળે ન મળે એ તો પ્રકૃતિ જાણે છે પણ આત્માની ભોમકામાં અનેક રહેલા મહાસાગર છે અને તે સમૃદ્ધિથી ખીચોખીચ ભરેલા છે. સુવર્ણની મુદ્રાઓથી તે ઊભરાય છે. અણમોલ અનેક ખજાનાઓ મૂર્તિમંત સાગરે પોતાના પેટમાં ધરબી રાખ્યા છે. જે કોઈ મેળવવા ઈચ્છતો હોય એને સહેજમાં આપી દે છે, પરંતુ એ સાગર કોઈ મરજીવાને શોધે છે. જો કોઈ મરજીવો મળે તો પોતાના પેટાળમાં સંગ્રહ કરેલી રાખેલ સમૃદ્ધિ તાત્કાલિક આપી દે છે.