Bhagavan

કૃપા પ્રસાદ દર્શન

ભગવાન આજે ઘેર આવે છે

By Shastri Surya Prakash Dashji

December 22, 2016

            “ઘેરે ચાલી આવ્યા છે ગોલોક વાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે” જો માણસ પોતનું અંતરનું સાચું સરનામું કોઈ પવિત્ર સંતને કે પવિત્ર સિદ્ધ સાધ્વીને આપે છે તો તે પ્રમાણે ભગવાન માણસનું ઘર ગોતી ઘેરે પોતે જ અથવા સંતોની સંગાથે પધારે છે.

         હવે માણસ જો ભગવાનને અંતરથી ચાહતો જ ન હોય કે તેને ઓળખતો જ ન હોય તો તે માણસને કહેવું શું? ભગવાને તેને અનોખી બુદ્ધિ આપી ન્યાલ કરી દીધો છે. ભગવાને તેને પોતાની રીતે અનોખું જીવન જીવી શકે એવો અદભુત  દેહ આપી દીધો છે. અનેક પ્રકારનાં મન ગમતાં સાધનો આપી દીધાં છે કે જેથી માણસ પોતાના સ્વપ્નની ઉણપ પણ પૂરી કરી શકે. છતાં કેટલાક ને જોતાં અંતરમાં આપણો ઉંહકારો નીકળી જાય છે કે ભગવાને બીચારા આદમીને આટઆટલું આપ્યું છતાં હું અને મારું તે આદમી એક રંચ જેટલું ત્યાગી શકતો નથી!

         ભગવાન પરમ કારુણિક બની માણસને અનેકવિધ સાધન સંપન્ન બનાવ્યો. સ્વામિનારાયણ ભગવાને માણસને સર્વવિધ સાધન સંપન્ન કર્યો તો પણ એ દેખાતું નથી કે પોતાને આવો તૈયાર કોણ કર્યો છે? જો એનો કાંઈક ખ્યાલ આવી જાય તો અવશ્ય ભગવાન પોતાને ઘેર આવે છે.

         સંત કે સાધક માનવીની વિચિત્ર વર્તણુંક જોઇને જરૂર વ્યથિત થતા હશે પણ સંતની વ્યથાને કોણ સમજવા તૈયાર છે? ભગવાન પાસેથી જયારે અખૂટ ખજાનો બુદ્ધિનો સાંપડ્યો છે ત્યારે કોઈ એ બુદ્ધિનો ઉપયોગ બીજાને હેરાન કરવામાં કે બીજાને નીચા પાડવામાં ઉપયોગ કર્તા હોય એ જોઇને ભગવાનને અને સંતને મનમાં કેવું થાતું હશે? ભગવાન કદાચ એવું વિચારતા હશે કે ‘મેં માનવને એક અનુપમ બુદ્ધિની સોગાદ આપી અને માણસે, આવી અનુપમ સોગાદની આવી ગેરવલે કરી? ન કોઈને મદદ કરવી કે ન કોઈને સાચો રસ્તો બતાવવો, ન કોઈને આશ્વાસન આપવું કે ન કોઈને બે મીઠાં વેણથી બોલાવવો.

         સદગુરુ ભૂમાનંદ સ્વામીને એક દિવસ કોઈ ચતુર મનના માનવીએ પૂછ્યું ‘મહારાજ! આમ ભેખ લઈને મસ્તીમાં ફરો છો ને ભગવાનના રંગમાં રાચો છો તો ક્યારેક ભગવાનને કહેજો કે અમારા ઘેર પધરામણા કરે, તમો પણ સાથે પધરામણા કરજો. અમારાથી જે થાશે તે સેવા કરશું અને ભેટ પણ આપશું. અમે એવું સાંભળ્યું છે કે ભગવાન તો તમારી પૂજામાં રોજ પ્રગટ બિરાજીત થઇ તમારી પૂજા ગ્રહણ કરે છે.’

         ભૂમાનંદ સ્વામીએ કહ્યું કે ‘તારી વતીથી હું ભગવાનને વિનંતી કરીશ પણ ભગવાનને તારું એડ્રેસ કેમ આપું? તારા સરનામાની તો મનેય ખબર નથી.’ મહારાજ! ઉપલી પાળ રોડ, પારેશ્વર ચોક. પાધરું જ સરનામું છે. મારું નામ છે, મનહરલાલ જેન્તીલાલ ગાલીચા. સ્વામી કહેવા લાગ્યા ‘ આ તારું સરનામું ક્યાં છે? આ તો તારા મકાનનું સરનામું છે. એ તો ક્યારે ભૂકંપ આવે અને એક આખી ઈંટ પણ જોવા ન મળે. એ તારું પોતાનું સરનામું નથી. તારું ઠેકાણું તો બતાવ. પછી ભગવાનને કહું અને એ ત્યાં આવે.’

          ભગવાન તો સ્વયં ઘેરે પોતે ચાલ્યા આવે છે પણ આપણને બોલાવતાં અને સરનામું દેતાં નથી આવડતું. કાયસ્થ સમાજના પરમ સાધ્વી અને મહાદેવી લાધીબાઈને ભગવાને પોતાને ઘેર બીજાને તકલીફ આપીને પણ બોલાવી લીધાં.  ભગવાન તો પોતે અક્ષરથી અતીત હોવા છતાં દેહધારીને સમીપ થાય છે. પરંતુ માણસ પોતાની જાતને ઠેકાણે લાવી સાચું સરનામું આપે તો કાંઈક સારું થાય.

          સ્વામી કહે છે તે મુજબ સ્વયં પોતે ઘેર વહ્યા આવે છે, જો માણસ પોતે, હું અને મારું ત્યાગી બીજાની પ્રોપર્ટી બીજા માટે રહેવા દઈને ભગવાનના કામ કરવા લાગે કે ભગવાનના બગીચામાં માળીનાં કામ કરવા લાગે તો.

         માણસે કહ્યું કે સ્વામી! હું તો એમ માનતો હતો કે મારા ઘરનું સરનામું એજ મારું સરનામું. મારો દેહ એજ હું પોતે અને મને તો એમ જ હતું કે બધું મારું છે અને એ બધેમાં હું છું. એટલે એનું સરનામું એજ મારું સરનામું.

          બંધુઓ! આપણે ઘણા બધા આમ માની બેઠા છીએ. જ્યાં આપણું પોતાનું ઠેકાણું સાચું ન હોય તો પછી ભગવાન પણ શું કરી શકે?કેમ કરી આપણને શોધી શકે? કેમ આપણા ઘરમાં આવી શકે? કદાચ આવે તો આપણે પોતાના ઘરની રંચ જેટલી સાફ સુફી કરી નથી કારણકે પોતાને ખબર જ નથી.

       તા. ૨૬, જાન્યુઆરીના ૨૦૦૧ના સવારે જે કરામત ભગવાને બતાવી અને ધરતીને હલબલાવી. એ જોતાં ભલભલાનાં હાંજાં ગગડી ગયાં! લાખો લોકોની જિંદગી રગદોડાઈ ગઈ! સ્વામિનારાયણ ભગવાનનું મંદિર (બહેનોનું) સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વર્ષો પુરાની સોડ સતી એ જોતાં એમ થાય કે ભગવાને તો કમાલ કરી દીધી છે, લાખો લોકોની જિંદગી છુંદી નાખી છે.એનું નામ તો કમાલકરણ હોવું ઘટે! અને જેને જેને જ્યાં જ્યાં બચાવ્યા છે તે જોતાં એમ થાય કે ભગવાને કોને કેમ બચાવ્યા છે એ ખબર કોઈ ચતુર નેતાને પણ પડે એમ નથી. એ તો એ સ્વયં ભગવાન જાણે અથવા એમનાં સંતો જાણે!

         આવું જોયા પછી મને એમ લાગે કે ભગવાન પોતે જ સંતોને લઇ આપણા ઘેરમાં આવી બિરાજમાન થઈ વધારે સાધન સામગ્રી આપી ન્યાલ કરી પોતાનું ન્યાલકરણ નામ સિદ્ધ કરશે. અને તો ચાલો, આપણે સંતોનું કે સાચા ગુરુનું સામીપ્ય સેવી પોતાનું સાચું ઘર પાવન કરીએ અને સામેથી આવતા ભગવાનને માટે આપણું ઘર સજાવીએ.

        ભગવાન કુબ્જાને ઘેર સામેથી ચાલીને ગયા છે. ભગવાન કરણીબાને ઘેર સામેથી જઈ કચ્છની મહારાણીના જેવો પોશાક પહેર્યો છે. એ પ્રભુ આપણે પણ ત્યાં આવશે. આપણે કુબ્જાની પેઠે અને જેવી કરણીબાની ભક્તિ હતી તેવી રીત અને સેવા કરવી પડશે. ભગવાન આપણને સાધન સંપન્ન બનાવી, આપણને આભુષણોથી અલંકૃત કરી આપણે ઘેર આવશે. આપણને ભૂમાનંદ સ્વામીની માફક વર્તવાનું છે.

ભગવાન ના સબંધનાં શ્રેષ્ઠતા