Amidrshti

ભગવાન સ્વામિનારાયણ

પ્રભુ! અમીદ્રષ્ટિ કરજો

By Shastri Surya Prakash Dashji

November 21, 2016

      હે શ્રીહરિકૃષ્ણ! તમારી નાભિ અને મસ્તક વિશાળ અને શોભાશાળી છે. ‘નાભિ ઊંડી રે અજ ઉપન્યા જે ઠામ કે વેણલાં ભલે વાયાં રે.’

     લક્ષ્મીનાથ! તમારાં પુષ્પથી પણ કોમળ દિવ્ય વિગ્રહમાં પોતાનું ચિત્ત જે માણસ લગાડતો નથી અને વિજાતીમાં પોતાના ચિત્તને ચોટાડી ક્ષણિક સુખની મોહજાળમાં ફસાવે છે તે વ્યક્તિ અજ્ઞાની છે. તે વ્યક્તિ પોતાની પોતાના હાથે હત્યા કરે છે. એને કોઈ પ્રકારનું સુખ મળતું નથી.

      કુસુમ કરતાં કોમળ દિવ્ય વિગ્રહને મૂકી જ્યાં ત્યાં ને જેવાં તેવા મત મતાન્તરોની જાળમાં સપડાઈ પોટે દુઃખી થાય એને શું કહેવું. હે નાથ! આ વાત મારું મન જાણે છે છતાં દુઃખની જંજાળોમાં લપેટાઈને પછી દુઃખી થાય છે. રુદન કરે છે. પોકાર કરે છે. પ્રભુ! એ મન કેમ નહીં સમજતું હોય?

      મારા મનને કંઠમાં તમારી પ્રસાદીભૂત તુલસીની કંઠી ધારણ કરવામાં શરમ આવે છે અને ખોટું જે તે ધારણ કરવામાં મલકાય છે. હે નાથ!તમને તો એક તુલસીનું પત્ર સમર્પણ કરીને પામી શકાય છે. છતાં ભ્રમમાં અને મોહમાં ડૂબેલો અને તેથી જ આત્મઘાતી માણસ તમારી આરાધના કરતો નથી અને જ્યાં ત્યાં અને જેને તેને માટે વલખાં મારે છે.

       તમારું દિવ્ય વિગ્રહ અતિ મંગલકરી છે.અતિશય પ્રકાશમાન છે. પદાર્થમાત્રમાં રહેલો પ્રકાશ તમારી સમક્ષ તે અતિશય ક્ષુલ્ક ભાસે છે. અનેક સૂર્યો પણ દિપક જેવા ભાસે છે. આવા તમે છો. જો તમારાં ભૂલે પણ દર્શન થઇ જાય તો તો એમ માનવું કે અનેક જન્મોથી ઉપાર્જિત કરેલું કોઈ તપનું આ ફળ મળ્યું છે. આવા મોટા તમે તે તમારા પૂરે પુરા ગુણોનું કીર્તન કરી શકે એવી કોનામાં શક્તિ હોય? કોઈનામાં હોય નહીં. આવા સમર્થ તમે છો, છતાં જે તમારાં દર્શન કરે નહીં તે યમનો માર ભવો ભવ ખાધા કરશે.તમારા આ દાસથી તમારાં મંગલકારી દર્શન થાય એવી અમી દ્રષ્ટિ આ દાસ પર કરજો.

ભગવાન ના સબંધનાં શ્રેષ્ઠતા