પ્રભુની-સર્વોપરીતા-ત્યાગ

ભગવાન સ્વામિનારાયણ

પ્રભુની સર્વોપરીતા ત્યાગમાં અને વૈરાગ્યમાં

By Shastri Surya Prakash Dashji

October 25, 2016

        નિત્યાનંદ સ્વામીએ એક વખત વાત કરી જે મહારાજ! તમે તમારું સર્વોપરીપણુ કેમ દેખાડતા નથી? મહારાજ તમે જરાસંધ અને દુર્યોધન જેવાને તમારું સર્વોપરી પણું દેખાડ્યું અને શિશુપાલને ચક્રથી રાજસભામાં મારી બધાને ચકિત કરી દીધા અને આજે તમો કેમ મોટા મોટાને (રાજા, પ્રધાન અને એ જેવા બીજા) ચમત્કાર દેખાડતા નથી? મહારાજ કહે આ અવતારે અમને જગત્ગુરુ રામાનંદ સ્વામીએ આચાર્યપદે બેસાડ્યા છે અને એ અવતારે અમને રાજગાદી હતી. એટલે અમારું સર્વોપરીપણુ એ વખતે મોટા મોટા અસુરોને મારવામાં અને પાઠ દેવામાં હતું. જેને ધનનો અને રાજનો મદ હતો અને ભક્તોને હેરાન કરવામાં સંતોષ હતો એવાને અમારું સર્વોપરીપણ બતાવ્યું.

      આ અવતારે તો અમારે ત્યાગનો અને ભક્તિનો મદ રાખવો છે, માટે આ વખતે અમો અમારું સર્વોપરીપણું ત્યાગમાં અને વૈરાગ્યમાં બતાવવું છે. આ અવતારે પૂર્વે દેખાડેલું સર્વોપરીપણું એથી કાંઇક અનોખું દેખાડવું છે.

      મહારાજ! તમો તો લક્ષ્મી અને મહારાણી રાધાના પતિ છો. જેમ તમને ઠીક લાગે એમ અને જેવું ઠીક લાગે એવું સર્વોપરીપણું બતાવો પણ મહરાજ હું તમને ઓળખવામાં અને તમારી સેવા કરવામાં ભૂલો ન પડું એવી કૃપા કરજો. મહારાજ! તમારે વિશે જેવી હનુમાનને અને અત્યારે મુક્તાનંદ સ્વામીને પરમ એકાંતિકી ભક્તિ છે, એવી જ મને તમારે વિષે સર્વોપરી નિષ્ઠા અને એવી જ સર્વોપરી ભક્તિ થાય એવી આ દાસ ઉપર કૃપા કરજો.

       સ્વામિનારાયણ ભગવાન નિત્યાનંદ સ્વામીની અંતરની અભિલાષા જોઈ અતિ પ્રસન્ન થયા અને સ્વામીને એવોજ વર આપ્યો કે તમને સદા મારે વિષે સર્વોપરી નિષ્ઠા અખંડ રહેશે.