જેને જ્યાં રાખવા ઘટે ત્યાં જ રાખવા જોઈએ. જે કાર્યમાં જે લાયકાત ધરાવતો હોય તે કાર્યમાં તેને નિયુક્ત કરવો જોઈએ. જેમ મસ્તકે ધારણ કરવાનો સોનાનો રાજમુગટ કોઈ પગે ચગદે નહીં અને પહેરવાનાં કપડાં, જેવાં કે સર્ટ, પેન્ટ વિગેરે કોઈ ઓઢવામાં પોતાનું ડહાપણ દાખવે નહીં, તેમ જેની દ્રષ્ટિ જેમાં પહોંચતી હોય તેમાં તેને રાખવો જોઈએ તો કાર્ય સહેજે સફળ થાય.
જેની પ્રકૃતિ ગુલામી કરવાની હોય તે વ્યક્તિને રાજા બનાવામાં આવે તો તે વ્યક્તિ કોઈની ગુલામી કરીને જ પોતાનું ડહાપણ છતું કરશે. રાજગાદી પર બેઠેલો હોવા છતાં ગાદીનાં મુલ્યો એ સમજી શકતો નથી કારણકે તેના જીવનમાં શાશકની નીતિ આવી જ નથી.
નાનપણથી જેનાં માતપિતા સંપૂર્ણપણે વગર કારણે ગુલામીમાં ઉછેર્યાં હોય અને તેનાં થયેલાં બાળકો જો એવી જ ગુલામીમાં ઉછેર પામ્યાં હોય અને સ્વતંત્રતાની વિશેષતા અને તેમને માટે આપવો પડતો ભોગ, એમણે જોયો ન હોય અને અનુભવ્યો ન હોય તો તે પણ ગુલામીમાં જ પોતાનું જીવન એક બંધાયેલા બિલાડાની માફક જ પસાર કરશે.
સંસારમાં સુખ ભોગવવાં હોય કે આધ્યાત્મિક પંથમાં પ્રગતિ કરવી હોય પણ સમજણ વિનાની ગુલામીમાં બન્નેનો માર્ગ લગભગ બધે જ રૂંધાયેલો છે.
જે વ્યક્તિની જે વિષયમાં નિપુણતા છે તે વ્યક્તિને હજારો પ્રયત્ને તે વિષયમાં જ નિમવી જોઈએ. કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં મઘરનાં આંસુ સારવા પડે છે અને ત્યાં જો તે વ્યક્તિ મઘરઆસું સારી ન શકે અને હકીકત બતાવા જાય તો સન્માનને બદલે અપમાન મળે. પોતાનું અપમાન થાય અને પરિવારનું અપમાન થાય.
કોઈ સ્થળે ભયંકર ભૂકંપ થાય અને ત્યાં હજારો નિર્દોષ અને અનિર્દોષ લોકોનું કમોતે મૃત્યુ નિપજે. ત્યારે રાજા કે રાજાના અંગત દિવાને તે સ્થળની મુલાકાત લેવી જોઈએ અને નિરાધાર થયેલા લોકોને ભીને હ્રદયે આશ્વાસન આપવું જોઈએ. હિંમતના બે વચન સાકરમાં ભેળવીને કહેવાં જોઈએ.
જો કોઈ દિવાન ઘાયલ થયેલા લોકો સમક્ષ જઈ એવા વચનો કહે કે “તમને તમારા કરમનો બદલો મળ્યો છે. તમે ઈશ્વરના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે, તમોએ સાચા માણસોનું દિલ દુભાવ્યું છે, એનું આ પરિણામ છે. તમને રડવાનો દિવસ આવ્યો છે, એ બતાવે છે કે તમો તમારા નિયમ ચુક્યા છો.”
આપણે જોઈએ તો દરેકને કરમનું ફળ ભોગવવું પડે છે. ઉપર મુજબ બોલે તેને પણ કરમનું ફળ ભોગવવું પડે છે. ખરું કે કે નહીં? ભોગવવું પડે છે. નીતિ કહે છે કે ઘાયલ વ્યક્તિને અંતરમાં શાંતિ થાય અને દર્દ ભૂલાય એવો પ્રયત્ન મોટા લોકોનો હોવો જોઈએ. પોતાના વર્તનથી કે વચનથી દર્દીને દર્દમાં વધારો થાય એવું વચન કડી પણ ઉચ્ચારવું નહીં.
જે વ્યક્તિને પગ લુંછણિયું અને ઓશીકું સમાન હોય એ વ્યક્તિને તેવા કાર્યમાં સોંપણી કરવી જ નહીં કે જે જગ્યાને તે શણગારવાને બદલે છિન્નભિન્ન કરી નાખે. પ્રજા પોતાને અનુકુળ ન હોય છતાં પણ સંકટમાં નેતા પ્રજાને મદદ કરે છે તો તે નેતા છે અને સકંટમાં તેને કઠોર વચનો કહી તડપાવે તો તે નેતાને બદલે અનેતા છે.
આપણે વિચાર કરવો કે કોને કયું પદ આપવું અને આપણે કયા પદે આસીન થવું. કોને કેવી રીતે બોલાવવો અને કોને ક્યાં આસન આપવું. વિચારની દીર્ઘ દ્રષ્ટિ વિના સાગરમાં કમોતે ડૂબી જવાય છે. વ્યર્થ અને વ્યથાપ્રદ ગુલામીમાં ફસાઈ જવાય છે. આપણે એવો પ્રયત્ન કરીએ કે એવા સાધકોની કે નેતાઓની અનુવૃત્તિમાં રહીએ કે જેથી આપણા જીવનમાં સુગંધ અને સંસ્કાર કડવી વેલની માફક પાંગરે.
સંસારસાગરના કિનારે પહોંચી ગયેલા સાધકોનો સમાગમ કરી જીવનને ગુલામીથી ઉગારી, જેવા સાથે તેવા થવા પ્રયત્ન કરીએ.