તીર્થ - મંદિર દર્શન

નૈમિષારણ્ય પાવન તીર્થધામ

By Shastri Surya Prakash Dashji

November 21, 2016

ઉતર ભારતમાં આવેલ નૈમિષારણ્ય અતિશય પવિત્ર તીર્થસ્થળ છે. અહીં ચક્રતીર્થમાં સ્નાન કરવું એ બહુ મહત્વનું છે. આ નૈમિષારણ્ય તીર્થસ્થળ લખનૌથી આશરે સો કિ.મી. થાય છે. દરેક યાત્રીકો અહીં પવિત્ર ચક્રતીર્થમાં સ્નાન કરીને પછી ચોમેર રહેલાં ભગવાનનાં અને ઋષિઓનાં સ્થાનક, તેનાં દર્શન કરાય છે. શ્રુંગી ઋષિની અહીં સમાધી છે. દધિચી ઋષિનો આશ્રમ અહીં છે. અહીં અનેક તીર્થો દર્શન કરવા જેવાં છે.

આ પવિત્ર તીર્થસ્થળે અખંડ ભગવાનની કથા ભાગીરથી વહે છે પરંતુ દિવ્યાત્માઓને તેનાં દર્શન થાય છે કારણ કે અહીં સુત પુરાણી કથા સંભળાવે છે અને શૌનકમુનિ સહિત અઠીયાસી હજાર મહર્ષીઓ કથાપાન નિત્ય કરે છે. અહીં ચક્રતીર્થમાં નિત્ય સ્નાન કરે છે.

આ એવું પવિત્ર સ્થળ છે કે જ્યાં પંચ વિષય તરફ દોટ મુકતી સર્વે ઇન્દ્રિયોની ધારા કુંઠીત થઈ જાય છે. આ સ્થળની પસંદગી કરવામાં મહર્ષિઓએ બ્રહ્મા પાસે માર્ગદર્શન મેળીને પછી અહીં કથા રસપાન કરે છે. મહર્ષિઓની ઈચ્છાથી બ્રહ્માજીએ તેમને ચક્ર આપેલ અને કહ્યું કે જ્યાં આ ચક્ર વિરામ લે અને તેની ધારાઓ ક્ષીણ થઈ જાય, ત્યાં હજારો વર્ષ સુધી ચાલતો રહે એવો દિવ્ય જ્ઞાનયજ્ઞ કરો.

આ નૈમિષારણ્ય તીર્થના દર્શન સાક્ષાત પુરુષોતમ નારાયણ સ્વામિનારાયણ ભગવાને કર્યાં છે. આપમા સંતોએ અનેક વાર કર્યાં છે અને અનોખો દિવ્ય અનુભવ મેળવ્યો છે. કેટલાક દિવસો અહીં રોકાણ પણ કરેલું છે. અધ્યાત્મક ચિંતવન અને સ્વાધ્યાય કરવા માટે આ સ્થાન અનેરું છે. અહીં હનુમાનદાદાનું મંદિર અને ગોમતીનાં દર્શન અવશ્ય કરવા જેવાં છે. ગોમતીમાં સ્નાન કરવું જાઈએ.

ચક્ર તીર્થથી થોડે દુર ભગવાન વેદવ્યાસની ગાદી છે અને ત્યાં એમ કહેવાય છે કે અહીં ભગવાન વેદ વ્યાસે વિશાળ વટવૃક્ષ હેઠળ બેસીને અઢાર પુરાણોની રચના કરી છે. અહીં જ શુકદેવજી પિતા પાસે ભાગવત કથા શ્રવણ કર્યું છે અને પછી રાજા પરીક્ષિતને કથા સંભળાવી છે.

આ નૈમિષારણ્ય તીર્થને સ્વામિનારાયણ ભગવાને વચનમૃતમાં યાદ કરેલ છે અને કહેલું છે કે જ્યાં વિષય તરફ વલખાં મારતી ઇન્દ્રિયો શાંત થાય, તેની ધારાઓ બુઠ્ઠી થાય અને ભગવાનમાં તન્મય થાય એવું જે સ્થાન તેને જ નૈમિષારણ્ય તીર્થ કહેવાય છે. આ નૈમિષારણ્ય તીર્થ લખનૌથી સો કી.મી. થાય અને કાનપુરથી દોઢસો કી.મી. થાય. જીવનમાં પ્રયત્ન કરીએ કે એક વાર આવા પવિત્ર તીર્થસ્થળનાં દર્શન થાય અને દિવ્ય અનુભુતી થાય. આ પાવન ભૂમીના અમોએ પણ અનેક વાર દર્શન કરીને અંતરને પાવન કર્યું છે. ।। અસ્તુ ।।