ચરણામૃત કેવી અનોખી ઓષધી છે એનો જાત અનુભવ થાય ત્યારે મનની દ્રઢતા મજબુત થઇ જાય છે. કોઈ દરદી હોય તેને જો ચરણામૃતથી કાંઈક ફાયદો થયો હોય તો તે કોઈ વિશેષ વ્યક્તિને કાંઈ કહી શકે નહી, જો તેની પાસે પોતાના અંતરની વાત કહેવા માટે ભાષાની ઉણપ હોય. ચતુર વક્તાને અનુભવ કોઈ વાતનો ન થયો હોય છતાં જો ભાષા ઉપર પ્રભુત્વ હોય તો ખોટી વાતને સાચી વાત તરીકે સાબિત કરી શકાય છે.
આપણે સાઈડમાં જવા કરતા વિષય ઉપર આવીએ. કોઈ મહા રોગીને કોઈ દવા કામ ન કરે અને તે વ્યક્તિ જો અતિ મહત્વની હોય તો વિશ્વના નામાંકિત ડૉકટરો કે સર્જનોને કોઈ પણ રીતે બોલાવવામાં આવે છે. વિશ્વપ્રસિદ્ધ સર્જનો પણ આભ સામે મીટ માંડી દર્દીને કહે કે ‘ ઉપર વાળા માથે ભરોસો રાખો!’ અમારા હાથની વાત નથી. આમ કહી પોતાના હાથ ઉઠાવી લે ત્યારે ત્યાં રહેલા તેના નજીકના સબંધી કે મિત્ર સર્કલના લોકોને મનમાં કેવું થાય એ તો પ્રત્યક્ષ જોવાથી જ ખ્યાલ આવે.
આપણા સંપ્રદાયના અનેક દાખલા તમે સાંભળ્યા હશે અને નજીકથી નિહાળ્યા હશે. પવિત્ર સાધક અને કોઈ સિદ્ધ સંત જયારે કોઈને ચરણામૃત આપે છે ત્યારે તે ચરણામૃત ગ્રહણ કરનારને કેવું કામ કરે છે એ ઘટના અધ્યયન કરવાની જરૂર છે. કેટલીક વખત એ ચરણામૃતથી અણધાર્યું કામ સહેજે સહેજે સિદ્ધ થઈ જાય છે. મને એમ થાય કે ભગવાન આપણને એવા કોઈ પ્રસંગો જોવાની જો તક આપે તો તો અતિ સારું લાગે.
ઓરીસા રાજ્યમાં એક વખત શિષ્યે ચરણામૃતનો ગુરુ ઉપર પ્રયોગ કર્યો ! ગુરુ પોતાના અનુયાયીના શ્રેય માટે ચરણામૃતનો ઉપયોગ કરવાનું શિષ્યને કહે એ વાત ગડ બેસે પરંતુ શિષ્ય જયારે ગુરુ ઉપર ચરણામૃતનો ઉપયોગ પોતાની રીતે કરે એ વાત કાંઈક આશ્ચર્યજનક કહેવાય. આવા પ્રસંગોમાં ગુરુને પણ ક્યાં જાણ હોય છે કે શિષ્ય શું કરે છે?
થોડા વર્ષો પહેલા સંતશ્રી જગન્નાથ દાસજી મહારાજ એક ભયંકર ઝેરી તાવના ભોગ બન્યા. સેવક બિહારી ભગતે ખુબ સેવા સુશ્રુષા કરી પણ ઝેરીલો તાવ કહે ‘હું ન ડગું, હું તો શરીર લઈને જ જઈશ.’ સ્વામીજીનો સેવક વર્ગ બહુ મોટો હતો. છેક બંગાલ સુધી તેનો સેવક ગણ વિસ્તરેલો હતો. ઠેકઠેકાણે ગુરુની તબિયત નાજુક છે એવા સમાચાર પહોંચી ગયા. એલોપેથિક દવાનો ઉપયોગ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યો પણ કોઈ ડૉકટરની કોઈ તરકીબ, સંતશ્રી જગન્નાથ દાસજી મહારાજ માટે કામયાબ નીવડી નહી.
સંતશ્રી જગન્નાથ દાસજી મહારાજ તો ભગવાન જગન્નાથ ઉપર નિર્ભર હતા અને એતો તેની ગોદમાં જવા તૈયાર પણ થઈ ગયા હતા. ગોસ્વામી બિહારી બાબાએ તો કોલકાતાથી નામાંકિત ડૉકટરને બોલાવ્યા. તે ડૉકટર તત્કાળ ત્યાં આવ્યા. સંતશ્રી જગન્નાથ દાસજી મહારાજને તપસ્યા અને કહ્યું કે ‘હવે મારા હાથની વાત નથી.’ સંતશ્રી જગન્નાથ દાસજી મહારાજ ડૉકટરના શબ્દો સાંભળી ડૉકટરને કહ્યું કે સાહેબ ! તમારી દવા તો હવે મારે પણ નથી લેવી.
ડૉકટર સાહેબે વાત એ પણ કરી હતી કે હવે આ સ્વામીજી તો એક બે દિવસના મહેમાન છે. એ વાત સંતશ્રી જગન્નાથ દાસજી મહારાજે નહોતી સાંભળી પણ એ તો પહેલેથી જ ભગવાનની સમીપમાં જવા તૈયાર બેઠા છે. ગુરુજી આટલા દિવસોમાં ચિડાય લે એવું શિષ્ય ગણને કદી માન્ય હોતું નથી પણ દરેક સેવકની એટલી ક્યાં ક્ષમતા હોય કે દુવાને દવાથી શ્રેષ્ઠ તરીકે અજમાવી શકે!
પોતાના નિત્ય પૂજાનાં મૂર્તિ કે જે ભગવાન જગન્નાથનું દિવ્ય વિગ્રહ, તેનું પૂજન ષોડષોપચારથી કરવાનું ચાલુ કર્યું અને દિવ્ય વિગ્રહને જે પંચામૃતથી તુલસી પત્ર સાથે મહાભિષેક કરાવેલ તે ચરણામૃત શિષ્ય બિહારી બાબાએ ગુરુદેવને આપ્યું. એ જ દિવ્ય વિગ્રહની સન્મુખ એક આસને બેસી ભગવાનના મહામંત્રનો જપ શુરૂ કર્યો. દશ દશ મિનિટે પંચામૃતની પ્રસાદી ગુરુદેવને આપે અને સાથે તુલસીપત્ર આપે.
પવિત્ર અને સાત્વિક જીવન યાપન કરનાર સાધકોમાં આત્મબળ બહુ ગજબનું હોય છે. બિહારી બાબાનો પાકો નિરધાર કે ‘આ ચરણામૃતથી ગુરુદેવને કોઈ દવાની કે ડૉકટરની જરૂર નહી પડે. ભગવાનના મહામંત્રનો અખંડ પાઠ ચાલુ રહ્યો. સમય જતા ગુરુદેવે પોતાની આંખો ખોલી અને જોયું તો સેવક અને બીજા ભક્તો જપ કરે છે. ફરી થોડા સમય માટે પોતાની આંખો બંધ થઈ. ફરી આંખો ઉઘાડી અને ધીમા સ્વરે કહ્યું કે ‘મને કેટલા દિવસ થયા. હજુ મેં સુવ્યવસ્થિત રીતે સ્નાન સંધ્યા નથી કરી. ચાલો, મને સ્નાન કરવો. મને ભગવાન જગન્નાથનો દિવ્ય પ્રસાદ આપો. મને ચરણામૃત ભલે આપ્યું. મારે પ્રસાદ જોઈએ.’ પથારીવશ પડેલા સંતશ્રી જગન્નાથ દાસજી મહારાજ એજ દિવસે સાયંકાળે પ્રસાદ જમ્યા!
જે સંતશ્રી જગન્નાથ દાસજી મહારાજ ભગવાન પાસે જવા તૈયાર થઈ ગયા હોય તેને રોકનાર હોય તો એક અનન્ય સેવક છે અને અનન્ય સેવક પોતાના ગુરુદેવ તો ગુરુદેવ અને સક્ષાત ભગવાન હોય તો ભગવાનને પણ ફરી સ્વસ્થતા અર્પી શકે છે. આ છે તુલસી મિશ્રીત ચરણામૃતનો પ્રભાવ !
અરે! પાપીના પાપ જો ચરણામૃત ભસ્મ કરી શકતું હોય અને પરમપદ આપી શકતું હોય તો કોઈને નીરોગીતા અર્પી અહ્કે એમાં કાંઈ આશ્ચર્ય કહેવાય? કદી ના કહેવાય, પરંતુ ભગવાનના મહામંત્રનો ઉપયોગ જો મહાફળ એટલે કે મોક્ષપદ પામવામાં કરાય તો એ દરેક માટે શ્લાઘનીય કહેવાય.