ચોરીનું કામ કોઈ ન કરતું હોય એમ કદી કહેવાય નહી. કોઈ ભગવાનને નામે ચોરી કરે છે તો કોઈ સંત સાધકને નામે ચોરી કરે છે. કોઈ સબંધીઓ માટે ચોરી કરે છે તો કોઈ પોતાના પેટ માટે ચોરી કરે છે. કોઈ પત્ની માટે ચોરી કરે છે. કોઈ સત્તા માટે ચોરી કરે છે.કોઈની નાની ચોરી હોય તો કોઈની મોટી ચોરી હોય છે. સામાન્ય રીતે બહુ જ મોટી ચોરી કરનારા નિર્દોષ લેખાતા હોય છે અને નાની ચોરી કરનારા ભારે ચોર અથવા ડાકુ કહેવાય છે.
આ ચોરીનું અનિષ્ટ કામ કેવળ એક દેશમાં નહી પરંતુ સારાય જગતમાં એમ ને એમ ચાલે છે. પત્ની પતિની મિલ્કતની ચોરી કરે, દિવાન રાજાના દરબારમાંથી ચોરી કરે અને સંતાનો માબાપના ઘરમાંથી ચોરી કરે.
શિષ્ય ગુરુની આધ્યાત્મિક વિદ્યા ચોરવાનો પ્રયાસ કરે તો તે કદાચ અયોગ્ય નહી કહેવાતું હોય અને લોભી પિતાની મિલકત જો સંસ્કારી સુપુત્ર ચોરે તો અને સદ્માર્ગે સદુપયોગ કરે તો તે કદાચ યોગ્ય કહેવાય પરંતુ જો પિતાનું કે પોતાના ગુરુનું સંપત્તિ માટે કે વિદ્યા માટે કોઈ ખૂન કરવા તૈયાર થાય તો…..? તો એ કેટલું નીચ કૃત્ય કહેવાય?
યુનિવર્સીટીના કેમ્પસમાં બોમ્બ જેવા ઘાતક શસ્ત્રો વિદ્યાર્થી લઈ જઈ શકે અને ત્યાં કહેવાતા ગુરુની ઉપસ્થિતિમાં તેનો વિસ્ફોટ કરી શકે અને એ પણ કેવલ ચોરીના સબંધમાં જ. કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા આવે અને પરીક્ષામાં કૉપી કરવાની ચોરીમાં તેને પકડવામાં આવે અથવા દંડીત કરવામાં આવે તો તે દંડીત થયેલો પરીક્ષાર્થી જો પરીક્ષકનું નામોનિશાન મીટાવાનું કાવતરું ઘડે તો?
મણિમોહનસિંહ એક કોલેજના પ્રિન્સિપાલ હતા. અનેક શિષ્યો કે વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક કે માસ્ટરની પડવી પ્રાપ્ત કરતા હતા. અનેક વિદ્યાર્થીઓ કૉલેજમાં ઈચ્છિત પદવી પ્રાપ્ત કરી, ગુરુના ઋણથી મુક્ત થવા કાંઈકને કાંઈક ભેટ ગુરુને આપી પોતાને ઘેર જતા હતા.
મણિમોહનસિંહની પ્રકૃતિ જરા કડક હતી છતાં દરેક સંગાથે આત્મીયતાથી રહી શકવાની કેળવણી વારસાથી મળી હતી એટલે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને મણિમોહનસિંહથી અસંતોષ નહતો. પ્રકૃતિથી કડક હોવા છતાં કદી કોઈ વિદ્યાર્થી કે કોઈ વિદ્યાર્થીનીએ મનમાં તેમના માટે દંશ રાખ્યો નહતો.
હવે એક કુલપતિની વાત કરું. તેણે કુલપતિનું સ્થાન ટેબલ નીચેથી રૂપિયાના બંડલો આપીને મેળવેલું હતું. સ્થાન મળ્યા પછી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીના ભોગે ખુબ સમૃદ્ધિ સંપાદન કરી. એમાં કેટલાય નિર્દોષ છાત્ર છાત્રાઓ સપડાયાં. કેટલાયના મનમાં તેમના તરફ ધૃણા થઈ હતી પણ કોણ સાહસ કરે? બધાને જિંદગી વ્હાલી હોય. લાલચુ અને અધમ કુલપતિની દુર્ગંધ સર્વત્ર ફેલાઈ ગઈ હતી.
કોઈ પ્રદેશમાં અંધારું કે અનીતિ શાશ્વત રહેતી નથી. સંસ્કારી પ્રદેશોમાં ઘણા સાધકો કે સંતો લાલચું કે અધમ નાયકોને પોતાના બનાવી પરમ સાધક બનાવી દે છે અધમ નાયકો નથી આવતા તો કોઈ શેરના સવાશેર સામે તૈયાર થઈ જાય છે.
જયારે નાયકમાં જે ચેરમેનમાં, કુલ્પ્તીમાં કે મેયરમાં, ગવર્નરમાં કે વિશ્વનાયકમાં ઘણા દિવસ કપટનીતિ કે ધોખાબાજી ચાલુ રહે છે ત્યારે તેમના અનુગામીઓમાં એવું જ આવે છે. અનેક નિર્દોષ યુવક કે યુવતીના અંતરના આર્તનાદે, લાલચુ કે અધમ નાયકોને કે કુલપતિને કોઈક બજારમાં કે ચોકમાં જ સળગાવી દે છે. આવેશમાં આવેલા કોઈ પોતાના જ અનુગામી કે વિદ્યાર્થી કોઈકની અતિ આંતરિક પ્રેરણાથી ન ઘટતું કરે છે.
મિત્રો! લાલચ કે અધમ કે પછી અધર્મવંશ મારા તમારામાં ન પાંગરે એ હેતુ માટે મોટા સાધકોના કે સંતોના સહવાસમાં રહીએ.
સંતના સાનિધ્ય વિના લાલચ કે અધમ ધોખાબાજી નાયકોમાં પ્રવેશ કરશે અને શિષ્યમાં પણ પ્રવેશ કરશે. જો ધોખાબાજીની રાજરમત નાયકો રમશે તો તેમના જ શિષ્યો રમશે અને એમાં કાંઈ ચમત્કાર ન માનવો.