પરિવાર દર્શન

કર્મકાંડ અને તપયજ્ઞ

By Shastri Surya Prakash Dashji

October 09, 2017

યજ્ઞમાં વિશ્વનું શ્રેય સમાયેલું છે એ વાતનો કોઈ ઈન્કાર કરી શકશે નહી. વિજ્ઞાન પણ યજ્ઞવિષયનું વધારે સંશોધન કરી ચુક્યું છે. આર્ષદ્રષ્ટા ઋષિઓએ યજ્ઞનું વ્યવસ્થિત રીતે પ્રતિપાદન કર્યું છે. આજ દિવસ સુધી સંતો અને સાધકો પોતાની અનુવૃતિમાં રહેતા નિખાલસ લોકોને યજ્ઞ કરવાની વર્તન દ્વારા સુચના આપતા આવ્યા છે.

ભગવાન સ્વામિનારાયણ કહે છે કે યજ્ઞ કર્યા વિના કદી કોઈનું કલ્યાણ થતું નથી. સર્વે મનુષ્યોએ પોતાની શક્તિ મુજબ નાના મોટા યજ્ઞ અવશ્ય કરવા જોઈએ. રોજિંદા વ્યવહારમાં યજ્ઞનો પ્રસાદ ગ્રહણ કરાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં અનેક પ્રકારના યજ્ઞો બતાવેલા છે. સર્વે યજ્ઞો સર્વે મનુષ્યો ન કરી શકે પણ અમુક યજ્ઞ તો દરેકે કરવા જોઈએ કારણ કે યજ્ઞથી જીવાત્માનું પરમશ્રેય થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ પોતાના અંશભુત દેહધારીઓને કહે છે કે વધારે નહી તો કાંઈ નહી પણ આ યજ્ઞો દરેકે પોતાના જીવનમાં અવશ્ય કરવા જોઈએ. તપયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ, જ્ઞાનયજ્ઞ અને જપયજ્ઞ આ છ યજ્ઞ અંતર્ગત જે પોતાથી ઠસી શકે એવા યજ્ઞો જરૂર કરવા જોઈએ.

તપયજ્ઞ એટલે કાંઈ ઉપવાસ કરવા કે દિવસમાં એક વાર આહાર કરવો અને પૃથ્વી પર વિના પથારીએ શયન કરવું એટલું જ નથી. કેટલાક લોકો એવી ભ્રાન્તિ ધરાવે કે વિના પગરખે સર્વત્ર વિચરણ કરવું અને ઉપવાસો કરીને કે વિના જળપણ કરે દેહ ત્યાગ કરવો એજ સાચો તપયજ્ઞ છે. અમુક પ્રકારના જ પદાર્થો ભોજનમાં લેવા અને અમુક દિવસે કે નિશ્ચિત સમયે જ ભોજન કરવું એ ત્યયજ્ઞ છે. કેટલાક લોકો એવી માન્યતા ધરાવે છે કે એકાદશીના દિવસે કે પુનમના દિવસે કે ભગવાનની જયંતિના દિવસે ફળાહાર કરવું કે ઉપવાસ કરવો એ તપયજ્ઞ છે. કેટલાક લોકોનો એવો મત છે કે શરીર ઉપર વસ્ત્ર ધારણ ન કરવું અને શરીરની સાર સંભાળ સ્વયં કદી રાખવી નહી એજ તપયજ્ઞ છે. કેટલાક લોકોનો એવો મત છે કે અમુક પ્રકારના જ વસ્ત્ર અને અમુક પ્રકારના જ ભોજન પાન કરવા એજ તપયજ્ઞ છે. આ પ્રમાણે અનેક મત મતાન્તરો લોકોના અંતરમાં ગોઠવાયેલા છે પરંતુ ખરેખર જે તપયજ્ઞ છે એ કાંઈક જુદો છે જ છે અને એ લોકોમાં જે તપયજ્ઞ જેવું કાંઈક દેખાય છે એતો તપયજ્ઞનો કાંઈક અંશ છે.

તપયજ્ઞમાં અનેક શાખા પ્રશાખા છે. તપયજ્ઞમાં અનેક પ્રકારો છે અને એ અનેક પ્રકારોથી કે શાખા પ્રશાખાઓથી સિદ્ધ થતો એક તપયજ્ઞ છે કે જેનું મહત્વ સર્વત્ર છે.

પરમાત્મા શ્રીમન્નારાયણ ગઢડામાં બિરાજમાન હતા. કેટલાક સંતો અને અનેક ગૃહસ્થ લોકો પોતાની સન્મુખ બેઠા હતા. સંતો પ્રભુના ગુણગાન કરતા હતા. દર્શનાર્થી લોકો દર્શન કરી પોતાની યોગ્યતા મુજબ સભામાં બેસતા અને કોઈ દર્શન કરી ચાલ્યા જતા.

બે ગરીબ અને ભૂખ્યા તરસ્યા અન્નાર્થી ભિક્ષુકો પ્રભુના દર્શન કરવા આવ્યા. શરીરે જે માણસ ભૂખ્યો હોય તેને પહેલી ભૂખ દર્શન કરવાની હોતી નથી. પહેલી ભૂખ પેટની હોય છે. જો પેટની ભૂખ કોઈ સમાવે તો તે તેને માટે કોઈ દેવ પુરુષ લાગે છે. આવેલા ભિક્ષુકોએ પ્રભુ અન્મુખ મીટ માંડી પોતાના હાથ લંબાવ્યા. એ બિચારા શું બોલે? કાંઈ પણ બોલ્યા વગર પ્રભુ સામે મેષોન્મેષ જોતા રહ્યા. ગામ આખું ભાટકીને થાક્યા હતા છતાં કોઈએ બિચારા ભિક્ષુકોને કાંઈ આપ્યું ન હતું.

ભગવાન શ્રીરંગ નારાયણ જીવાખાચરની કહેવા લાગ્યા કે ‘આ બિચારા ભૂખ્યા તરસ્યા અતિથીઓ આવ્યા છે. એમને માટે એક એક રોટલો ઘડી આપશો?’ શ્રીજી મહારાજના આવા વચનો સાંભળી કોણ તૈયાર ન થાય? તરત તે બહેન રસોડામાં જઈ એ આવેલા ભિક્ષુકો માટે બે બે બાજરાના રોટલા તૈયાર કરીને લાવ્યા. મહારાજે આ જોયું અને તે બહેન ઉપર રાજી થયા પરંતુ આવેલા ભિક્ષુક્ના ચહેરામાં એટલી ગજબની ખુશી હતી કે એની સીમા ન હતી કારણ કે એ ભિક્ષુકો ગઢડા આખું બિચારા ભટક્યા હતા છતાં કોઈએ એક મુઠ્ઠી લોટ પણ આપ્યો ન હતો!

ભગવાનની મુખાકૃતિ એ ભિક્ષુકોના અંતરમાં ઉતરી ગઈ હતી. એ ભિક્ષુકો મનોમન એમજ માની લીધું હતું કે આ જો ભગવાન હોય અને આપણી મનોવૃત્તિ જેવી અત્યારે એમનામાં સ્થિર થઈ છે એવી ને એવી આપણા અંતકાળ સુધી રહે તો?

આ ભિક્ષુકોના મનોભાવને પ્રભુ કેમ ન જાણે? એતો તનકી જાણે અને મનકી પણ જાણે. એતો ચિત્તકી છુપી હુઈ બાતકો ભી અછી તરહ જાનતા હૈ.

સભામાં ઉપસ્થિત ગૃહસ્થાશ્રમી ભક્તોને ઉદેશીને કહેવા લાગ્યા કે ભક્તો! તમારે ઘેર કોઈ ભૂખ્યો આવે તો તેને ખાલી હાથે પાછો વળતા નહી. આંગણે આવેલાને કાંઈક આપી તૃપ્ત કરવો એ એક અનોખો યજ્ઞ છે.

આ એક અનોખો પ્રકાર છે તપયજ્ઞનો! જેનો પ્રચાર ભગવાને પોતાના વર્તન દ્વારા સર્વત્ર કરાવ્યો છે. ભૂખ્યા માણસની કોઈ નાત કે જાત હોતી નથી અને દરદીની કોઈ જાત ડોક્ટર માટે હોવી જોઈએ નહી. અંધ, અપંગ અને ઘાયલની સેવા કરવી એ યજ્ઞ છે. પોતાના શરીરની કોઈ પણ જાતનો સાથ અને સહકાર આપી કોઈને કોઈ પણ રીતે મદદરૂપ થઈએ એ એક યજ્ઞનો પવિત્રતમ પ્રકાર છે કે જેને સંતો અને ભગવાન સાક્ષાત તપયજ્ઞ કહે છે.

અગ્નિમાં લપટાઈ જતા માણસને કે અન્ય પ્રાણીને તે થકી ઉગારવો એ ખરું તપ છે. વ્યક્તિ જો કેવલ પોતાના સ્વાર્થ ખાતર તપ કરે કે કેવલ પોતાના ઉદ્ધાર માટે તપ કરે કે ઉપવાસ કરે તો તે તપયજ્ઞ નથી. એ યજ્ઞની પ્રસંશા ભ્ઘ્વન કે મોટા સંતો ખુલ્લે મુખે કરતા નથી.

પરોપકારાર્થે જે ક્રિયા કરવામાં આવે અને તેમાં જેટલી તકલીફો પોતાને સહેવી પડે એ ભલે તાત્કાલિક કાંઈ યશ ન અપાવે પણ તપયજ્ઞની ફલશ્રુતિ બહુ મોટી છે. કોઈ વૃદ્ધ માતા હોય અને તેને પોતાને ગામ જવું હોય, પોતાની પાસે ગાડી હોય અને પરાધીન કોઈ માતાને સાથ અને સહકાર ન આપીએ, કાંઈ પણ તકલીફ ન હોય છતાં તેને પોતાની ગાડીમાં બેસવા ન દઈએ અને પોતે અનેક ઉપવાસ કરતા રહીએ તો તે ઉપવાસનું ભગવાન શ્રીકૃષ્ણના કહેલા યજ્ઞો પ્રમાણે ફળ કદાચ નિષ્ફળતામાં પરિણમશે.

મિત્રો! આપણે જીવનમાં એવો પ્રયત્ન કરીએ કે જેનાથી ન કેવલ મન રાજી થાય પરંતુ શરીર પ્રદાતા ભગવાન સ્વામિનારાયણ અને તેના અંતરંગ સેવકો પ્રસન્ન થાય.

પરોપકારાર્થે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવામાં આવે અને એ પ્રવૃત્તિ જો ભગવાને અને તેમના પવિત્ર સંતોએ સહમતિ આપેલી હોય તો એ કર્મકાંડાત્મક શુભ પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિ કરવી એજ ખરું જીવનનું અમૃત છે અને આવા દિવ્ય અમૃતથી જ આપણને પરમ શ્રેય પ્રાપ્ત થાય છે.

આ પ્રમાણે વર્તન કરીશું તો આ લોકમાં આપણું પરમ શ્રેય કદાચ નહી થાય તો પણ પરલોકમાં શ્રેય જરૂરા જરૂર થશે એમાં શંકા નથી. જેણે જેણે પોતાના જીવનમાં આવા તપયજ્ઞો કર્યા છે તેણે કદી ખરાબ ફળ સ્વપ્ને પણ મેળવ્યું નથી.