Satsang Apps

સુખથી ક્યારેય છકી જવું નહીં

sukh-thi-kayare-chaki-javu-ni

      આ લોકના સુખ આવે અને જાય જેમ ધોમ તાપમાં વાદળની છાયાનું સુખ અખંડ ટકતું નથી તેમ સુખ કે દુઃખ અખંડ ક્યાંય રહેશે નહીં. આ લોકનાં સુખથી ક્યારેય છકી જવું નહીં કારણ કે એ સુખ તો મૃગતૃષ્ણાના જળ જેવું છે. દુરથી મનમાં ભ્રાન્તિ થશે કે થોડે દુર ઘણુ જળ છે પણ જેમ જેમ નજીક જશું તેમ તેમ તે મૃગજળ દુર દુર થતું જશે. ખરી પ્યાસ બુઝાવાને બદલે વધતી જશે અને ઉપરથી થાક લાગશે એ વળી જુદો. આ લોકના સુખ એવાં છે.

        તરસ બુઝાવવી હોય તો સાચા જળથી બુઝાય તેમ ક્ષણિક સુખદુઃખના બદલામાં સનાતન બ્રહ્માનંદ માણવો હોય તો ભગવાનના ભક્તના દોષ જોયા વિના પોતાના દોષ જોવા અને ભગવાનનું સ્મરણ અખંડ રાખવું. જગતમાં કોઈ માન કરે, કોઈ અપમાન કરે તેને નહીં ગણકારી ભગવાનના ભક્તનો પક્ષ રાખવો અને પોતાના કોઈ સાચા ગુરુ હોય અથવા કોઈ પવિત્ર સંત હોય તેની સંગાથે મન જોડી રાખવું અને તેની આજ્ઞામાં રહેવું એ કરવાથી મોટા સંતો અને શ્રીજી મહારાજ પ્રસન્ન થશે. ભગવાન શ્રીમન્નારાયણ પ્રસન્ન થાય પછી કોઈ અર્થ બાકી રહેતો નથી.