સર્વત્ર જીતની આશા એજ નિરાશા

0
477
સર્વત્ર જીતની આશા એજ નિરાશા

તમારે સર્વત્ર જીતની આશા રાખવી એ બેબુનિયાદ વાત છે. ઈતિહાસ કહે છે કે દુર્યોધન મનમાં ઘણું ઝંખતો હતો કે મને કદી અને ક્યાંય હાર મળે નહી. તે માનતો હતો કે મારા ગળામાં સદા વિજય માળા લહેરાય અને બાકી બધેના ગળામાં પરાજયની.

કેવલ વિજયની આશામાં સતત પ્રયત્નશીલ રહેશો તો તમે માંદા પડશો. તમારે ડૉકટરની વધારે ગરજ ભોગવવી પડશે. તમારા પરિવારના, તમો કદાચ નકામા સભ્ય બની શકશો. તમારે વેલુ સ્વર્ગમાં કે બીજા લોકમાં સિધાવવું પડશે. નરકમાં જલદી જવાનું થશે. તમે હાથ ધરેલું કાર્ય કદાચ તમારી વિદાય પછી બિલકુલ ઠપ પણ થઈ જાય કારણ કે તમોએ સર્વત્ર વિજયની લાલસા સેવી છે.

સંસારમાં યશ કીર્તિ હોવી જોઈએ. વ્યક્તિગત નામના હોવી જોઈએ. સંતોની સેવા કરવામાં કે ગરીબને મદદ કરવા પોતના હાથમાં સંપત્તિ હોવી જોઈએ. વાપરવામાં કોઈ રોક ટોક ન કરે એટલી નાની મોટી પેઢી હોવી જોઈએ. પ્રકૃતિથી આવતી મુશ્કેલીઓને સહન કરી શકીએ એટલી સહન શક્તિ હોવી જોઈએ. લોકો સંગાથે હળી મળી શકીએ એવી પોતાની રીત રસમ હોવી જોઈએ. તમારા અંતરની વાત બીજાના દિલમાં ઉતારી શકો એવી બૌદ્ધિકતા હોવી જોઈએ. સંત અને સત્સંગના કાર્ય કરવામાં કે ગુરુના કે ગુરુએ સોંપેલા કાર્ય કરવામાં તત્પરતા દાખવી શકીએ એટલી સાવધાની હોવી જોઈએ.

એ રહસ્યને આત્મસાત્ત કર્યા પછી સર્વત્ર વિજયની આશા રહેશે નહી પરંતુ સર્વત્ર વિજય સહેજે સહેજે મળશે એવું જરૂર કહી શકાય અને તમારું જીવન તમોગુણી નહી હોય પણ સાત્વિક હશે.

છત્રપતિ શિવાજીએ મનમાં મક્કમ નિરધાર કર્યો હતો કે ‘સદગુરુ રામદાસના કાર્યથી એક ડગલું વિચલિત નહી થાઉં.’ તો આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ કે એમની અમર કીર્તિ રાષ્ટ્રમાં યથાવત રહી છે. એમને પરાજય ક્યાય ન મળ્યો હોય એવું નથી પરંતુ વિજયનો ધ્વજ સારી રીતે લહેરાયો. આજે પણ છત્રપતિ શિવાજીની અમર શૌર્ય ગાથા દેશવાસીઓના મુખે તો હોય પણ અન્ય રાજ્યમાં કે દેશમાં પણ એવી રીતે જ ગવાય છે. તેમના અમર વિજયનું કોઈ કારણ હોય તો એમણે સ્વીકારેલી સદગુરુવર્ય સ્વામી રામદાસની અનન્ય શરણાગતિ.

અત્યંત પૈસાદાર લોકોનું રહસ્ય જાણવા જેવું છે. એ લોકો કદી પરાજયમાં નિરાશ થઈને બેસી જતા નથી. જેઓએ લોકો પૈસા કમાવામાં નિરાશ થઈ બેસી જાય તો એ લોકો કોઈ પૈસાદાર બની શકે નહી. પૈસાદાર લોકો સફળતા હાંસલ કરવા રાત છે કે દિવસ છે એ જોતા નથી. કોઈ અપમાન કરી જાય તો પણ તેમને એ ધ્યાન દેતા નથી.

મિત્રો ! ભગવાને આપણને આવું જીવન આપ્યું છે તો જીવનની ચિંતા સૌ કોઈ કરે પરંતુ કેવી રીતે જીવનની ચિંતા કરવી એ ખ્યાલ આપ મેળે આવતો નથી. જો સારા ગ્રંથો વાંચન કેવા મળ્યા ન હોય કે પવિત્ર સંતોનો સમાગમ મળ્યો ન હોય તો લોકો ખોટી રીતે ચિંતા કરતા થઈ જાય છે.જીવનને ખોટી રીતે બળતરામાં બાળે છે ન કરવાના વિષયમાં ચિંતા કરતા થઈ જાય છે.

લોકો સુખી જીવન વ્યતીત કરવા માટે પોતાનો ધંધો શોધતા ફરે છે. વાત વાતમાં કહી દે છે કે નોકરી કરશો તો કદી શેઠીયા થશો નહી. શેઠીયા રહવા માટે તો ધંધો કરવો પડે. આ રીતે એમના અંતરમાં આત્મસંતોષની ઘણી ઉણપ રહે છે. અરે! નોકરી કરવાથી કાંઈ પૈસા બચે? નોકરી કરીને સંતાનોને કદી ઈચ્છા મુજબ ભણાવી શકાય? કદી નહી.

સાત્વિક  જીવન કેળવ્યા વિના નોકરી મળી જાય તો નિરાશા ભલે ન રહે પણ આત્મસંતોષ પણ ન મળે. જેમ નોકરીથી છુટકારો લઈ ધંધો કરવો હોય તો ધંધાની રીત ભાત બરાબર ભણવી પડે. કયો ધંધો કેવી રીતે કરવો અને કયા ધંધામાં સફળતા મળશે? કેવી પ્રોડક્ટમાં લોકોની વધારે માંગ રહેશે? કયા ઉત્પાદનમાં ઓછું રોકાણ કરવું પડશે? વિગેરે વિગેરે વિચારવાનું રહે છે.

અત્યંત પૈસાદાર લોકો ઉપરની બધી વિગતોને બરાબર ધ્યાનમાં રાખે છે. હવે એક મારો પ્રશ્ન છે કે સર્વત્ર વિજય હાંસલ કરનારા અને અત્યંત પૈસાદાર લોકો સર્વ રીતે સુખી કેમ નથી હોતા? આ પ્રશ્ન કેટલાક બુદ્ધિશાળી વર્ગને પૂછવામાં આવ્યો પરંતુ આ પ્રશ્નનો ઉત્તર સંતોષકારક મળ્યો નહી.

આ પ્રશ્ન જયારે સદગુરુને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે બે જ વાક્યમાં અતિ સંતોષકારક ઉત્તર આપી દીધો. સાથો સાથ નિરાશામાં પણ આનંદ યથાવત રહે એવી સલાહ પણ આપી દીધી.

‘ભગવાન સ્વામિનારાયણ અને એમના પવિત્ર સંતને રાજી કરવા જેમણે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરી હશે અને તેને ગમે તેવી નિષ્ફળતા મળી હશે તો પણ એ કદી દુ:ખી નહી હોય. એમના મનમાં સદા એમ રહ્યા કરશે કે સર્વત્ર વિજય મારા ભગવાનનો રહે અને મારા સંતનો રહે. મારો ભલે હજાર વખત પરાજય થાય છતાં જો મારા ભગવાનનો વિજય હોય તો એ મારો જ વિજય છે.’

આ વાક્યને સમજનારાનું જીવન ખરા અર્થમાં સાત્વિક જીવન હોય છે. આ ઉત્તરથી મિત્રો! એ શીખવા મળે છે કે વિજયની આશામાં સતત પ્રયત્નશીલ રહેવા છતાં ભક્ત માંદા પડતા નથી. ડૉકટરની ગરજ ભોગવતા નથી. પરિવારના નકામા સભ્ય બનતા નથી. સ્વર્ગમાં કે બીજા પવિત્ર લોકમાં સીધાવવા કદી મૂંઝાતા નથી. ત્યાં જવા સદા તૈયાર જ રહે છે. નરકમાં એમને કાંઈ દુ:ખ લાગતું નથી. હાથ ધરેલું કાર્ય કદાચ બાકી રહી જાય તો ભગવાન પૂર્ણ કરી જાય છે. આમ વ્યવહારમાં અત્યંત આગળ વધવાની નેમ હોય છે અને સંસારમાં યશ કીર્તિ વધારવાની તમન્ના હોય છે છતાં તેમના મનમાં એક વાતનો પાકો નિરધાર હોય છે કે સંતોની અનુવૃત્તિમાં રહ્યા વિના અને ભગવાનનું વિધિ પ્રમાણે નિયમિત સ્મરણ અને પૂજન કર્યા વિના સફળતા ક્યાંય અને ક્યારેય નથી.