સંત સંપત્તિના અહંકારે ન તોલાય

0
80
સંત સંપત્તિના અહંકારે ન તોલાય

જ્યાં રૂપસુંદરીઓ પોતાના નૃત્યોથી પ્રેક્ષકોના મન આકર્ષી, સામાન્ય સાધકોને સાધનાના માર્ગ થકી ભ્રષ્ટ કરી રહી હોય અને વિષયલંપટ નરનારીઓને ભૌતિક અને ઐન્દ્રીય આનંદ આપી રહી હોય, ત્યાં કોઈ ભગવાનનો ભક્ત જઈ પહોચે અને તે સુંદરીઓનું નાચ ગાન જુએ તો તેના મનમાં કેવા જાત જાતના વિચિત્ર સંકલ્પો અને વિષયના તરંગો પાંગરવા લાગી જાય એ જેણે અનુભવ્યું હોય એનાથી જરા પણ એ અજ્ઞાત ન હોઈ શકે.

કેટલાક લોકો મહાલયની મહાનતા તેના બાહ્ય દેખાવથી આંકતા હોય છે અને કેટલાક લોકો ભવ્ય પ્રાસાદની ભવ્યતા લોકોની અવર જવરથી માપતા હોય છે. ભગવાન ભગવાનના સંતો પ્રાસાદની મહાનતા કાંઈક  બીજી રીતે જ વર્ણવતા હોય છે. જે આશ્રમમાં કે પ્રાસાદમાં નાત જાતના ભેદ ભાવ વિના અને ગરીબ તવંગરની ભેદ રેખા વિના હરિકીર્તનની રમઝટ ચાલતી હોય અને ભક્તિરસની છોળો ઉઠતી હોય એજ સૌથી ભવ્ય અને સર્વોતમ પ્રાસાદ છે. આવી જગ્યામાં કોઈ વિષયલંપટ આવી ગયો હોય તો તે વખતે તેનું પણ મન બીજી રીતનું થઈ જાય છે.

હવે આપણે બીજી વાત કરીએ. સંત ભલે ઝુંપડામાં રહેતા હોય કે મોટા મહાલયમાં રહેતા હોય પરંતુ ત્યાનું વાતાવરણ સંતોએ કેવું કર્યું છે એ મહત્વનું છે. બનેલા ઝુંપડામાં ભલે માટી ને સામાન્ય લાકડું જ હોય પરંતુ ત્યાં બિરાજમાન ભગવાનની સેવા પૂજા કરવામાં સંતો મશગૂલ રહેતા હોય તો તે ઝુપડું હોવા છતાં સર્વોતમ હવેલી છે અને ભગવાનનું પ્યારું દેવાલય છે.

જે જગ્યાએ ભગવાન ભલે સુવર્ણના રાજસિંહાસન ઉપર બિરાજમાન થયા હોય અને ભગવાનને જમવાના પાત્રો ભલે બધાં શુદ્ધ સુવર્ણના હોય પરંતુ જો ભગવાનની સેવા કરવામાં કોઈ વિષયી જીવ આવી જાય કે સંપત્તિનો મતલબી કે સંગ્રહખોર આવી જાય તો ભગવાન સુવર્ણના રાજસિંહાસનને ઠેબે દઈ કોઈ સંતની ઘાસની કે માટીની ઝુંપડીમાં ચાલ્યા જાય છે.

બંધુઓ! દેવાલયને ઈટાલીયન સંગેમરમરથી કે અમુલ્ય ગ્રેનાઈટ પથ્થરથી સજવા ધજાવા કરતા અને વિવિધ ઝવેરાતોથી ભગવાનના રાજસિંહાસનો શણગારવા કરતા, તે દેવાલયના એક એક ખંડની દીવાલને જાત જાતના રંગોથી રંગબેરંગી બનવા કરતા, જો આપણા અંતરમાં રહેલી ભક્તિ અને શ્રધ્ધાને મૂર્ત સ્વરૂપ આપીએ અથવા તેવા સંતોને એવા સ્થાનમાં રહેવા પ્રાર્થના કરીએ અને તે સંતો ત્યાં રહી જાય તો આપણે બનાવેલા દેવાલયમાં સર્વે દેવો આવી, આપણી પ્રાર્થના વિના જ , આપ ઈચ્છાએ બિરાજમાન થશે.

પરમાત્મા કહે છે કે જ્યાં મને બિરાજમાન કરવામાં આવે ત્યાં ભલે ભવન પડી જાય એવું હોય પરંતુ જો ત્યાં મારી સેવામાં સંત રહેલા હોય અને દર્શને આવેલા હરકોઈ અનાર્થી મનુષ્યનો આદર સત્કાર કરવામાં આવતો હોય અને ભોજનનો પ્રસાદ ભાવથી આપવામાં આવતો હોય તથા તેને રહેવા કરવા માટે પોતાના સામર્થ્ય પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવતી હોય તો એ ઝુંપડાને હું મારું પવિત્ર ધામ માનું છું.

મને બિરાજમાન કરવા કોઈ સંપત્તિનો મદાંધો આકાશને આંબતા મહેલો બનાવે અને એ મહેલોમાં કરોડોની સંપત્તિ બતાવવાનો આટાટોપ કરે અને મારા વ્હાલા સંતોનું સ્વમાન પણ ન સાંચવે અને મારા દિવ્યભવનને પોતાના કમાવવાના સાધન બનાવી (સંચાલકો કે ધણીઓ) પોતાની જાહેરાત કરે અને આવેલા અતિથીઓ અને ભિક્ષુકો, ગરીબો અને અનાર્થીઓ ઠાલે હાથે અને તિરસ્કાર સહેતા સહેતા વહ્યા જાતા હોય તો એ મારા મંદિરને સ્મશાનથી સારું ગણતો નથી.

એ કહેવાતા મંદિરમાં ભલે મને બિરાજમાન કર્યા હોય પણ મારા વ્હાલા સંતોને અને મારા નિર્દોષ ગરીબ ભક્તોને કમાવવાના સાધનો બનાવવામાં આવતા હોય અને પોતે ધણી થઈ સરમુખત્યારશાહીનો દંડો ખેડતા હોય તો એવા કહેવાતા દેવસ્થાનમાં હું કદી ડોકિયું કરતો નથી.

સંત સેવે સુખ મળે, અસંતથી સુખ જાય |

દુષ્ટસંગે દુ:ખ મળે, ભક્તિથી ભય જાય ||

સંતો અને શાસ્ત્રો કહે છે કે ભગવાન અને ભાગવતને ધનથી તોલવામાં આવે તો ભગવાન અને ભાગવત બન્ને જાય છે. સંત ભલે ઝુંપડામાં રહેતા હોય છતાં સંત તો કુબેર ભંડારીને પોતાનો સેવક બનાવે છે પણ તેને આધીન રહીને કદી કોઈ જાતનું કાર્ય કરતા નથી.

વિશ્વમાં વિજયના અમર પતાકા લહેરાવતો એલેકઝાન્ડર ધી ગ્રેટ એક તૂટેલી લંગોટી પહેરીને રહેલા સાધુને ઝુકાવી ન શક્યો અને એ તૂટેલી ચાદર પર બેઠેલા સાધુનો, વિશ્વનો મહાસમ્રાટ એલેકઝાન્ડર ગુલામ થયો ! સાધુ એને ગુલામ બનવા નહોતા માંગતા પણ એની સાધુતાથી એ એલેકઝાન્ડર પોતાની મેળે તેની ગુલામી કરવી સ્વીકારી.

વાચકો! ભગવાન સુવર્ણના મંદિરમાં કે સંગેમરમરના મંદિરમાં જ બિરાજમાન થાય અને બીજે બિરાજમાન થાય નહી એવું કદી મનમાં રાખવું નહી.ભગવાન અને સંત બોલાવ્યા વિના પોતાને આંગણે પધારશે. આમંત્રણ વિના પગે ચાલીને પોતાને ઘેર પધારશે. આગ્રહ કર્યા વગર પોતાને ઘેર રોકાશે. આપણું ઘર ભલે નાનકડું હશે. આપણું ઘર ભલે માટીનું હશે. આપણા ઘરમાં ભલે મારબલની એક કટકીએ નહી હોય તો પણ સામેથી ભગવાન અને ભગવાનના વ્હાલા સંતો આપણા ઘેર પધારશે.

પરંતુ જો સંતને કે ભગવાનને સંપત્તિના અહંકારે તોલવામાં આવશે તો તેમને સો વખત આમંત્રણ આપશો કે હજાર વાર આમંત્રણ આપશો, અને તમારી પોતાની અણમોલ કારમાં બેસાડવા મજબુર કરશો તો પણ આદરથી આવવા નહી ઈચ્છે. કદાચ લોક લાજે આવવું પડશે તો ઉપરનો દેખાવ કરશે પણ એમના અંતરને તમો જીતી શકશો નહી.

ગોવિંદરામ ભટ્ટ એક નિર્ધન અને વ્યવહારે સામાન્ય કેટેગરીના, ભક્તરત્ન હોવા છતાં બુરાનપુરમાં એમના આગમનથી રાજદીવાનો હેરાન થઈ ગયા! એમની પાસે એકેય હથિયાર કે આયુધ ન હતું છતાં બુરાનપુરના સમગ્ર રાજપરિવારને ઝુકાવામાં સમર્થ થયા. એ ભલે ગરીબ હતા પરંતુ ભગવાનના પરમ સંત હતા. એ સર્વ શાસ્ત્રોને જાણતા ન હતા પરંતુ ભગવાનની ભક્તિના રંગમાં સંપૂર્ણ રંગાઈ ગયા હતા. એમણે સાધુ દીક્ષા ગ્રહણ કરી ન હતી પણ એમણે સંતોને પોતાના અંતરથી એક દોર વાર છેટે થવા દીધા ન હતા. આવી સ્થિતિ જયારે ભક્તની હોય ત્યારે તે ભલે ઝુંપડામાં હોય કે વગડામાં હોય અને જંગલમાં હોય કે શહેરમાં હોય, ત્યાં સત્સંગ વાડી ખીલી ઉઠે છે અને ભક્તિનો કલરવ કરતાં કરતાં પક્ષીઓ મધુર ભક્તિના ગીતો ગાતા અને તેવો જ કલરવ કરતા કરતા આપ મેળે ત્યાં દુર સુદૂરથી પહોંચી આવે છે.

ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કરોડોના મહેલો બનાવો કે કોઈક માટે આલય પણ જો સંતનું ત્યાં આદરથી સ્વાગત નથી અને ભગવાનના ભજનની શ્રધ્ધાની રમઝટ નથી તો તે મોટા શહેરમાં હોય તો પણ સ્મશાન તુલ્ય માની કોઈ ત્યાં આવશે નહી અને જે આવશે તે વિષયલંપટ નરનારીઓ ભૌતિક અને ઐન્દ્રીય આનંદ માણવામાં પાગલ લોકો જ આવશે.

LEAVE A REPLY