વૃત્તિઓને દબાવતાં વિફરે કાં મરે

0
619
વૃત્તિ

       સામાન્ય રીતે પોતા પાસે આવેલી કોઈ વ્યક્તિ ખરાબ હોતી નથી. ઘણી વખત માણસ જાતે જ આવનારને ખરાબ બનાવતો હોય છે અને પછી આવેલીને ધુતકારે છે. શરીર પર ધારણ કરેલું કપડું જો અતિ નપુટો આપે તો એ કપડું આખો દિવસ રાખી શકાય નહીં. જો બરાબર રીતે તેને ધારેલું હોય તો શરીરમાં ક્યારેય નપુટો આપશે નહીં.

“સિંહને છંછેડતાં ખોશો તમારા પ્રાણ | મન બહુ ચીડવતાં ભોગવશો નરક ખાણ ||”

      ભગવાને આપણને કેવું વિલાસી અને આનંદી મન આપ્યું છે! આપણું કોમળ મન,કેવી કેવી વિચિત્ર વાતોનો ઢગલો એક સેકન્ડમાં આપણી આગળ કરી આપે? કેવું સમર્થ મન! કોઈએ ધાર્યું ન હોય અને કોઈએ જોયું ન હોય એવું અનોખું દર્શન એક ક્ષણ વારમાં આપણને કરાવી આપે!

      આ મનને જો ચગદવામાં આવે તો? આ મનને રગદોડવામાં આવે તો? આ મનને છંછેળવામાં આવે તો? આ મનને રૂંધવામાં આવે તો? આ મનને કોઈ અંધારી કોઠરીમાં ગોંધી દેવામાં આવે તો? બહેનો! માતાઓ! બંધુઓ! શું થાય એ જોવાનો ક્યારે અખતરો કરશો નહી.

      જો આપણને કોઈ ગોંધી રાખે તો જરા જેટલું પોષાતું નથી. કોઈ આપણને ગુલામ બનાવે એ આપણને પોષાતું નથી. કોઈ આપણી વાત ન સાંભળે એનો લાગેલો દંશ આપણાથી ભૂલાતો નથી. તો પછી આપણે પોતાના મન ઉપર શા માટે ત્રાસ ગુજારીએ? જે બધું આપણું કામ કરે છે. જે નાની મોટી દરેક બાબતમાં આપણને સાથ અને સહકાર આપે છે. એની સંગાથે કે એવા મનની સંગાથે છેડતી કરાય ખરી? સિંહ સંગાથે છેડતી કરવી એ પોતાના પ્રાણ ગુમાવવા બરાબર છે અને મનની સંગાથે છેડતી કરવી એ પોતાના આત્માને ઘાયલ કરવા બરાબર છે.

      શરીર એક મોટો મઠ છે. અનેક મઠધારીઓ એ મઠમાં મોજમજા કરે છે અને મઠની માવજત રાખી મઠની શોભાને વધારે છે. શરીરનાં એક એક અંગ અતિ મહત્વનાં છે. નગરમાં કે મઠમાં ગટર લાઈન સામાન્ય અંગ કહેવાય છતાં શરીરની ગટર લાઈન ખડભડે તો નગર કહો કે મઠ, શરીર કહો કે પટ, બધું રફે થઇ જાય છે. કેવળ મન નહીં પરંતુ બધી વૃત્તિઓ અને બીજાં અનેક અંગ બધાં એક દિવસમાં કે એજ ક્ષણમાં લોથ પોથ થઇ જાય છે.

      એક અવાડામાં કોઈ નાનો અને નિર્દોષ બાબો સુખ શાંતિથી અનોખું પાણી પીવા માટે આવ્યો. એ છોકરો અવાડામાં નહીં પણ વાડામાં આવ્યો. તમે બધા સમજી શકો કે વાડો એટલે કોઈકે કોઈ ભુલકાને પુરવા માટે બનાવેલો વંડો. ઈ વંડાનું નામ રાખ્યું બહુ ઊંચું! છેક આકાશને અડી જય ઇવડું ઊંચું. જે જુએ એને એ વંડામાં આવવાનું મન થઈ જ જાય. તેમાં બાબા કે બેબીને તો તત્કાલ મન થી જ જાય.

       બાબાને ચટકી લાગી.આ વંડામાં પુરાવું હોય તો પહેલા કાન વિંધાવો પડે. તેણે તે મંજુર કર્યું. બાબાને ગળામાં ફાંસો દેવામાં આવ્યો. તેણે તે પણ મંજુર કર્યું. દરેકને ત્યાં પાણી પીવા મળે પણ અંધારામાં! મલીંદા મળે પણ ભંડાકીયામાં! બધું મળે પણ બંધ મોઢે! આવો મોટો અવાડો.

       હવે બાબો કે બેબી ન ક્યાંય જઈ શકે કે ન કોઈને કાંઈ કહી શકે. હશે, ઈ વાતને જવા દો. પછી કોઈક દિવસ કરશું. ક્યાંક એમ હશે. એવાં નાટક ચાલતા હશે. બધે એમ તો ન જ હોયને?

      વ્યાયામ કરવો અને કરાવવો એ શરીર માટે સારો છે પણ કોઈ વ્યક્તિની સ્વભાવિક ચંચળતાને પોતાના નીચ સ્વાર્થ ખાતર ચગદી નાખવી અને તેને રીબાવી રીબાવી ને તેમની પાસેથી કસ કાઢી લેવો એ બહુ ખરાબ છે. જેની પાસેથી આપણે જેટલું કામ લઈએ તેને તેટલું ભાતું આપવું જોઈએ. જુના જમાનાની એક નગર પાલિકાના ઘોડાની જેમ તો કદીય ન કરવું. કપ મુકાયો તો બીચારા ઘોડાના ખોરાકમાં! પગારમાં તો ધરખમ વધારો જ!

     ધરમનું કામ હોય કે કરમનું હોય, જો જેને જેટલું દેવાનું ઠેરવ્યું હોય એટલું ન આપીએ તો સ્વામિનારાયણ ભગવાનના મહા ગુહ્નેગાર થાઇએ છીએ. પોતાનું પાસું રાખે તેનું પડખું સેવે અને બીજાને પુરુ થાતું નથી એમ કહીને નીચીટેલ કરતા ગધેડાં કે ઘોડાં તેને પુરતું ખાવાનું ન આપે અને જેમ સમય જાય તેમ તેમ કાપ આવે અને બીચારાં રીબાઈ રીબાઇને મરે!

      ઘણાને એમ થાય કે આમાં કઈ આધ્યાત્મિક વાત છે. પણ શરીરમાં આવી જ હાલત સદાયને માટે રહેતી હોય છે. જેણે શરીરની રાજનિતી સમજાઈ જાય તેને પછી સમાજની રાજનિતી કે કપટનીતિ સમજવાની જરૂરત રહેતી નથી.

       જીવનમાં દમન નહીં પણ નિયમન જોઈએ. આ વાત સમજાઈ જાય તો મઠની કે ચાલબાજ લંડનના શીપમેન જેવા ડોકટરોની કે મઠાધીશો અથવા અન્ય કોઈની ચાલબાજી સમજવામાં કોઈ સાધકને કાસરો પડતો નથી. કદાચ એટલેજ જીવનનું અણમોલ ઔષધ “નિયમન’ કહેલું હશે. જીવનનું અણમોલ ઔષધ દમન કે ત્રાસ નહીં. આ વાત સમજાતી નહીં હોય પરંતુ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આજ હકીકત સમજાવી છે.

       પોતાના પાડેલાં પશુઓને, સ્વાભાવિક માનવની રીત રસમને સમજ્યા વિના તેમના ઉપર જો દમન કે ત્રાસ ગુજાર્યા કરીશું તો ખરેખર એક દિવસ બધું ગુમાવી બેસશું. પોતાને સમજ્યા વિના દમન કે ત્રાસ બીજા ઉપર આચરશું તો તેનું પરિણામ પોતાને જ આ ભવમાં અથવા બીજા ભવમાં ભોગવવું પડશે. પોતાના ઇષ્ટદેવ તે કર્મ ભોગવાવ્યા સિવાય કોઈ રીતે લેવા નહીં આવે.

       પોતાની જેટલી હદ હોય એ પ્રમાણે નિયમન કરવું અમે નિયમન કરવા-કરાવવા પ્રયત્ન કરવો પણ વધારે ડહાપણ કરવા જવું નહીં. જો ઉતાવળ કરશું કે કોઈકના કહેવાથી બીજાને ચોર ઠેરાવી અને પોતાના દોષોને નિર્દોષ ઉપર ઠાલવી દઈશું. તો તે બહુ હદે ભોગવવું પડશે. મિથ્યા અપવાદ કેવો ખતરનાક પરિણામ આપે છે એ જો આપણે કોઈ ભોગવેલાને પૂછીએ ત્યારે ખરી ખાતરી થાય. જો વ્યક્તિ ખોટી રીતે પોતાને સારી બતાવવા જશે તો પોતાનું ઠીકરું અણધાર્યું ફૂટી જશે.

સુખથી ક્યારેય છકી જવું નહીં