લોભી અને ઈર્ષાળુ

0
889
લોભી અને ઈર્ષાળુ

એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ પરેશ હતું. બીજાનું નામ હરેશ હતું. પરેશ બહુ લોભી છોકરો હતો અને હરેશ બહુ ઈર્ષાળુ છોકરો હતો. છતાં સવાર પડે બન્ને મિત્રો નિયમબંધ ભગવાનના મંદિરમાં દર્શન કરવા પહોંચી જાય.

પહેલા શંકર ભગવાનના દર્શન કરે અને એમની ભાવથી પ્રાર્થના કરે કે હે ભોળાનાથ ! અમને સંપત્તિ આપજો. અમને મોટી મિલકત આપજો. અમને રહેવા માટે મોટા મોટા મહેલો આપજો. આમ પ્રાર્થના કરી પછી માતાજી, ગણપતિ, હનુમાનદાદા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન અને છેલ્લે સ્વામિનારાયણ ભગવાન પાસે આવે. આમ બધા દેવોના અને ઈશ્વરોના દર્શન કરે અને પ્રાર્થના કરે.

એક દિવસ એ બન્ને મિત્રો શંકર ભગવાનની આગળ હાથ જોડીને પ્રાર્થના કરતા હતા, ત્યારે એ પ્રાર્થનાને સાંભળીને શંકર ભગવાન બહુ રાજી થઈ ગયા. શંકર ભગવાન તો ભોળાનાથ કહેવાય ને ! શંકર ભગવાનના પ્રગટ દર્શન થયા એટલે હરેશ ને પરેશ બન્ને મિત્રો ખુશ ખુશાલ થઈ ગયા.

શંકર ભગવાને કહ્યું બાળકો! આજ તમારા પર હું પ્રસન્ન થયો છું અને આજે હું તમને જે જોઈતું હશે તે આપીશ. માટે બાળકો ! તમને જે જોઈએ તે માગો. માંગવામાં એક શરત છે. જે તમે માગશો તે તમારા મિત્રને ડબલ મળશે.

પરેશ લોભી હોવાથી શંકર ભગવાન પાસે માગ્યું કે હે ભોળાનાથ! મને એક સોનાથી ભરેલો રૂમ અને એક સુંદર મજાની પત્ની સાથેનો મહેલ આપો. ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ. પરેશના માગવાથી એમના મિત્ર હરેશને ડબલ મળ્યું. એટલે હરેશને બે મહેલ મળ્યા. બે પત્ની મળી. અને બે સોનાના ભરેલા રૂમ મળ્યા.

હવે ભગવાન ભોળાનાથે હરેશને માગવાનું કહ્યું. વ્હાલા મિત્રો! ઈર્ષાળુ બીજાના સુખને જોઈ શકતો નથી. અને બીજાને દુ:ખમાં જોઈ બહુ ખુશ ખુશાલ થાય છે. આપણે આવા ઈર્ષાળુ થવાનું નથી હો? એટલું જ નહી એવા ઈર્ષાળુથી બહુ સાવધાન રહેવાનું છે.

હરેશે ભગવાન પાસે માગ્યું કે હે ભોળાનાથ ! મને તમારા દર્શન કરવા માટે અને તમારી દુનિયાને જોવા-ભોગવવા માટે એક આંખ રહે એવી કૃપા કરો, અને મારા ઉપયોગ માટે મારો એક હાથ રહે એવો મારા પર અનુગ્રહ કરો. આવા વરદાન હરેશે ભગવાન શંકર પાસે માગ્યા. ભગવાન શંકરે હરેશને વરદાન આપ્યા પણ તેમાં પરેશ તો પાહિમાલ અને હેરાન થઈ ગયો. આવા હરેશના માંગેલા વરદાનને કારણે પરેશ બિચારો બન્ને આંખે આંધળો થયો અને બન્ને હાથ વગરનો થયો!

બાળકો ! આવા ઈર્ષાળુ છોકરાને કોઈ દિવસ આપણો મિત્ર બનાવવો નહી. આવા ઈર્ષાળુ છોકરાને આપણે આપણો મિત્ર બનાવશું તો આપણને તે દુ:ખ,ખના દરિયામાં ફેકી દેશે. ઈર્ષાળુ મિત્ર કરતા લોભી મિત્ર બનાવવો ઘણો સારો છે. લોભી મિત્ર આપણને દુ:ખમાં નહી સપડાવે. એ આપણને ઓછું અપાવશે પણ મરાવશે નહી, જયારે ઈર્ષાળુ મિત્ર પોતે દુ:ખી થશે અને બીજાને વધારે દુ:ખી કરશે. વધારે ઈર્ષાળુ હશે તો આપણને મરાવશે પણ ખરો.

તમે બધા વચનામૃત વાંચતા હશો. ન વાંચતા હો તો થોડું થોડું વાંચવાનું જરૂર નક્કી કરજો. સ્વામિનારાયણ ભગવાને આપણને આ ઈર્ષાળુ વિષે વચનામૃતમાં ઘણી જગ્યાએ ચેતવ્યા છે. એક વખત તો મહારાજે એમ પણ કહ્યું કે ઈર્ષાળુ માણસ તો અમથો અમથો બળ્યા કરે છે. લેનારો બીજો હોય અને દેનારો બીજો હોય છતાં ઈર્ષાળુ વચ્ચમાં ઠાલો ઠાલો બળ્યા કરે છે.

ઈર્ષાળુથી કોઈ દિવસ મિત્રતા કરજો નહી અને તેનાથી જેટલું દુર રહેવાય તેટલા દુર રહેજો. ઈર્ષાળુ તો હડકાયા કુતરા જેવો છે. પોતે તો મરવાનો છે. પણ આપણને બચકું ભરાવી હડકવાની લાળ લગાડશે અને દુ:ખી કરશે. હડકાયું કુતરું ચાર દિવસ હેરાન કરશે પણ આ ઈર્ષાળુ આખી જિંદગી હેરાન કરશે અને પરિવારને પાહિમાલ કરશે. વળી જો તમને ઈર્ષા હેરાન કરતી હોય તો ઈર્ષ્યા કરવી પણ એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણોને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા, અને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યા તો ભગવાનના ભક્તને ક્યારેય ન કરવી અને એવી ઈર્ષા કરનારાનો સર્વ પ્રકારે ત્યાગ કરવો આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના વચનામૃતમાં કહે છે.