ભિખારીની દશા

0
103
ભિખારીની દશા

હું એક ભિખારી છું.ફાટેલાં તૂટેલાં કપડામાં રખડ્યા કરું છું. નથી મારો કોઈ હેતુ, નથી કોઈ મારો ધ્યેય. મારાં જે સ્વપ્નાઓ હતા એ પણ રગદોડાઈ ગયા છે. આખો દિવસ હું માગ્યા કરું છું. અને ઘરો ઘર ભટક્યા કરું છું અને શેરીએ શેરીએ હું રખડ્યા કરું છું. કોઈ લોકો મને બોલાવે છે. કોઈ લોકો મને ધુતકારે છે. કોઈ જમવાનું આપે છે તો કોઈ ડંડો મારી બહાર કાઢે છે. કામ કરવું મને ગમતું નથી. આપણે તો મફતનું મળે તો મજા પડે.

રોજ સવાર પડે, હું મંદિરના દરવાજે ભીખ માગું ચુ, સાંજ પડે હું બગીચામાં ફરવા આવેલા દંપતીઓ પાસે પહોંચું છું. કોઈ સૌંદર્ય સંપન્ન અપ્સરાને જોઈ મલકાવું છું અને તેના અભાવમાં દુ:ખી થાઉં છું. મનમાં થાય કે મને એવી અપ્સરા ક્યારે મળશે. એ દંપતી આગળ જઈ મારો હાથ પસારું છું. કોઈ મને પાંચ પૈસા આપે છે. કોઈ મને દશ પૈસા આપે છે. કોઈ એમનો એમ પાછો ઠેલી દે છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી હું આમ ભટક્યા કરું છું. માગ્યા કરું છું ત્યારે કાંઈક મને મળે છે. મોડી સાંજે મને જે કાંઈ મળ્યું હોય એ બધું એક સખત પરિશ્રમી કારકુનની માફક ગણવા માંડું છું.

મારા મિત્રો! મને બેસવા માટે કોઈ મઠ કે ઝુપડું નથી મળ્યું. સરકારે મને રહેવા માટે કાંઈ આપ્યું નથી. કોઈ મોટા મોટા મંદિરના માલિકોએ પણ મને કાંઈ રહેવા જેવું આપ્યું નથી.

હું તો વડનું વૃક્ષ કે કોઈ ઓટાને આશરે પડી રહું છું. બે ચાર બીડી પી લઉં છું, એક બે કપ ચા પી લઉં છું અને જો થોડો તાજો નાસ્તો મળે તો તે કરી લઉં છું. પછી હું જોયેલી અપ્સરાઓને મનમાં જોતો જોતો પડી રહું છું.

મને તો મઠાધીશોએ થવાની બહુ મનમાં આશાઓ છે. સંપત્તિથી મારે કીર્તિ સંપાદન કરવાની બહુ ખેવનાઓ છે. એક સુંદર આશ્રમ કે ગુરુકુળ બનાવી તેમાં રહેવાની મને ઘણી તમન્નાઓ છે. ભગવાન ક્યારે પરિપૂર્ણ કરે તેની રાહમાં આ મેં મારી જટા વધારી છે.

સજ્જનો! આ આજનો ભિખારી! આ ભિખારીને નિરાધાર આપણે તો નથી બનાવતા ને? તેને કામચોર અને હરામખોર આપણે જ તો નથી કરતાને? એ આપણે થોડું જરૂર જોવાનું છે. આપણે ખરેખર સત્સંગી હોઈએ તો આવા ભટકતા ભિખારીને કાંઈક કામ કરાવવા કે સારે ધંધે લગાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ ભિખારી આમ ભટકતો થયો છે એનું કારણ આપણે ન બનીએ એ જોવું જરૂરી છે. એ ભિખારીને સમજુ સત્સંગીઓએ કોઈ પણ રીતે આત્માવલંબી બને એવું જ કરવું જોઈએ. એમાં એમનું શ્રેય છે અને આપણું શ્રેય છે. ભગવાનની પ્રસન્નતા પણ શેમાં છે? એ જાણવું જરૂરી છે. જો એ ભટકતા ભિખારીને પાઠ દેવામાં નહી આવે તો વધારે આળસુ અને પ્રમાદી બનશે અને ભિખારી દિન પ્રતિદિન વધતા જશે અને તમને અને મને હેરાન કરતા રહેશે. આવા ભિખારીને કાંઈ આપવા કરતા સદ્માર્ગે વાળવામાં આપણું શ્રેય હશે.

એમને યોગ્ય રીતે કામે લગાડશો તો હજુ કાંઈક મળશે અને ભગવાન પણ રાજી થશે. કદાચ આવા જેટલા ભિખારી આપણા દેશમાં, આપણા ગામોમાં અને આપણી પેઢીઓમાં આંટા મારતા હશે એટલા દુનિયાના કોઈ ભાગમાં નહી મારતા હોય, માટે જરૂર આપણે તેમની દશા તરફ જોવું. કેવલ ભિખારી જોઈ કાંઈ આપી દેવું એ જરા યોગ્ય નથી પરંતુ તેમના જીવનના સુધારા માટે કાંઈક આપવું એજ આપણી ફરજ ગણાશે.

LEAVE A REPLY