Satsang Apps

બે ચતુર રાજકુમારીઓ

Rajkumario

      આપણા આ ભારત દેશ પર અનેક આફતો આવી છે. નાની મોટી અનેક પ્રકારની આફતો વેઠતાં વેઠતાં આ દેશના સંસ્કારી સંતાનોએ પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર માટે અનેક બલિદાન આપ્યાં છે. ભારત સપૂતોએ અને વિરાંગનાઓએ વિવિધ જ્ઞાનના ખજાના અને વિવિધ તંત્રોને જીવનના ભોગે તે જાળવી રાખ્યા છે અને એજ પ્રમાણે સાંચવી રાખ્યાં છે.

        વિધર્મી શાસકોએ આ દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવા અને પોતાના વ્યક્તિગત ખજાના ભરવા સખત પ્રયત્નો કર્યા છે. વેદ વિરુદ્ધ મતાવલંબીઓએ આ ભારતીય પ્રજાને પાયમાલ કરવા અનેક નિંદનીય તરકીબો અજમાવી છે.

       કેટલાક નીચ શાસકોએ સમાજમાં ભેદ પડાવ્યા છે. નાત જાતમાં ભેદો કરાવ્યા છે. વર્ણ અને આશ્રમમાં ભેદો પડાવ્યા છે. છતાં સ્વાભાવિક અને વૈદિક તથા આંતરિક એકતાને વિખેરવામાં કોઈને સફળતા સાંપડી નથી. આ એકતાને સાચવવામાં નારી શક્તિનો, યુવા શક્તિનો, અતિ સામાન્ય શક્તિ અને બુદ્ધિ ધરવતા માનવીનો અતિ અમુલ્ય ફાળો છે.

       ઈરાનના ખલીફા વલીદના હુકમથી જયારે મુઠ્ઠીભર સૈનિકોને લઇ મહમદ બિન કાસિમે ભારતવર્ષ પર ચઢાઈ કરી ત્યારે ભારત નાના નાના રાજ્યોમાં વહેચાયેલું હતું. અને તે તે પ્રદેશના રાજાઓ પોતપોતામાં પોતાની શક્તિને કેવળ અન્યના પ્રદેશને કબજે કરવામાં વેડફી રહ્યા હતા.

       સિંધમાં જયારે રાજા દાહિરસેન શાસન કરતા હતા ત્યારે તેમના પર મુહમ્મદ બીન કાસીમે મોટી સેના લઈને તેમના પરચઢાઈ કરી ત્યારે ત્યાંના રાજાને જોરદાર થપાટ મળી.અનેક સૈનિકો સાથે યુદ્ધમાં મરાયો. વેગમાં આવેલી બહાદુર રાણીએ પોતાના પતિને મળેલી હાર સાંભળી જરા પણ ગભરાઈ નહીં.

      તેણે અનેક દેશપ્રેમી વીર બહેનોને તરવાર અને ઢાલથી સજ્જ કરી યુદ્ધમાં ઝંપલાવવા ચેતના જગાવી. મહારાણી સહિત અનેક વિરાંગનાઓએ આ પવિત્ર ઋષિઓની ભુમિને સુરક્ષિત રાખવા ખાતર બલિદાની વ્હોરી. આવી વિરાંગનાની શૂરવીરતા જોઈ એ સમયના લોકો હેરાન થઇ ગયા હતા. આ જંગ ઈ.૭૧૧ના જુનમાં ખેલાયો હતો અને ૧૬ જુનના સિંધ સમ્રાટ દાહિરસેન લડાઈમાં શહીદ થયા હતા.

      એમ કહેવાય છે કે અરબોએ સિંધ પર ૧૪ વખત યુદ્ધ કર્યાં હતા અને ત્યાં રહેતા ભારતીઓએ મુંહતોડ જવાબ આપ્યો હતો. સિંધના સમ્રાટ દાહિરસેન છેલ્લા હિન્દુ રાજવી હતા. પોતાના પિતાનો ઈ.૬૮૦માં દેહાંત થયે ત્યારે પોતે રાજગાદી પર આરૂઢ થયા હતા અને શત્રુઓથી પ્રજાનું રક્ષણ કર્યું હતું. અહીં જે જંગ ખેલાયો હતો એ જગ્યા હતી સિંધમાં આવેલ રાવલ કિલો, ત્યાં સિંધના સમ્રાટ દાહિરસેને શત્રુ સામે છેલ્લા શ્વાસ સુધી લડત લીધી હતી.

       હિન્દુ રાજાઓ કેવા શુરવીર હતા અને એમનો પરિવાર કેવો દેશ માટે અને પોતાની સંસ્કૃતિ માટે કેવો સમર્પિત હતો, એની આ કથા છે. આ સિંધના સમ્રાટ દાહિરસેનનું રાજ છેક ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલ હતું. આજકાલ-તા.૧૫-૬-૧૨.પાનાનં.૫.ભુજ.

       બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ‘સાચા શુરા રે જેના વેરી ઘાવ વખાણે’ એ મુજબ એ મહમદ બિન કાસિમને ત્યારે ખબર પડી કે આ દેશની પ્રજા કેવી શુરવીર અને નિડર છે. એમની તો કલ્પના ન હતી કે નારી પણ દુર્ગાનું રૂપ ધારી શત્રુને હંફાવી શકે છે.

       વિરાંગનાઓએ આ પવિત્ર ઋષિઓની ભૂમિને સુરક્ષિત રાખવા ખાતર બલિદાની વ્હોરી. હવે સંસ્કાર અને દેશની સમૃદ્ધિને કોણ ઉગારશે? છેલા શ્વાસે આવા વિચારોમાં તળલળતી વિરાંગનાઓની ભાષા કોઈક વાંચી શક્યું.

       દુશ્મનોએ રાજસંપત્તિ પર કબજો મેળવવા અને પોતાનું સૈન્ય વધારવા તેણે સીધો રાજ દરબારમાં દરોડો નાખ્યો. સંપતિ અને ઝવેરાત જોઈ દુશ્મનો પાગલ તો થયા પણ ત્યાં સ્વર્ગની અપ્સરાને ઈર્ષા ઉપજાવે એવી કિશોર અવસ્થામાં રહેલી બે રાજકુમારીઓ જોઈ.જોતાં જ તે કમાન્ડર પાગલ થઇ ગયો. આવી રાજ કન્યા! તેણે મનોમન વિચાર્યું કે ચાલ, આ બે સોગાદ આપણા ખલીફા વલ્લીદ્ માટે મોકલાવીએ. આ ગુલાબના ફૂલને શરમાવે એવી સોગાદ જોઈ ખલીફા વલીદ મને મોટો શીરપાવ આપશે.

      તે સમયે રાજકુમારીઓ માત્ર ૧૪ થી ૧૫વર્ષની હતી. એકનું નામ સૂર્યા હતું અને બીજીનું નામ પદ્મા હતું. આ જન્નતની અનેરી સોગાદને પાલખીમાં બેસાડી,તેને કાંઈ તકલીફ ન થાય તે રીતે ઈરાન ખલીફા વલીદ પાસે પહોંચાડવામાં આવી.

      સંસ્કારી અને સુજ્ઞ, વૈદિક અને ભગવાન એ ભગવતીની દ્રઢ ઉપાસક વિરાંગનાને સંત કે સાધ્વી સિવાય કોઈ સમજી શકતું નથી. જેમ રહસ્યની વાતો જ્યાં ત્યાં થાય નહીં તેમ અંતરમાં રહેલી વ્યવહારની વાતો પણ જ્યાં ત્યાં થાય નહીં. વાત સંત આગળ કાંતો કોઈ પોતાના પથપ્રદશક સદગુરુ આગળ કહેવાય પણ જ્યાં ત્યાં ઓકી નંખાય નહીં આ નીતિ વાક્યને જાણનારી સુર્યા અને પદ્માએ પોતાની વાત કોઈને પણ જણાવા દીધી નહીં. આ બન્ને સંસ્કારી અને સુજ્ઞ રાજ કન્યાઓ માત્ર સુંદર પણ બહુ જ સંસ્કારી અને શુરવીર હતી. જેવા પિતા સિંધના સમ્રાટ દાહિરસેન હતા તેવી જ આ બન્ને શુરવીર અને સુંદર કન્યાઓ હતી. આ બન્નેને રૂપ અને લાવણ્યતા, શૂરવીરતા અને તેજસ્વીતા સાંપળી હતી, એનું કારણ હોય તો પોતાના પૂર્વજોની પુણ્ય કમાઈ. એને કારણે પોતાના દેશનું, પરિવારનું,સંસ્કારનું અને વૈદીક પરંપરાનું ગૌરવ રાખ્યું હતું.

       ખલીફા વલીદ સ્વર્ગની અપસરા જોઈ મહમદ બિન કાસિમને મનો મન નવાજવા લાગ્યો. બન્નેને પોતાના રાજ મહેલમાં સુંદર મજાનો ઉતારો અપાવ્યો. બીજે દિવસે જયારે એ ખલીફા સોગાદને ભેટવા શયનકક્ષમાં ગયો ત્યારે ત્યાં જોયું તો સૂર્ય અને પદ્મા રડતી હતી.

      રડવાનું કારણ જાણતાં ખલીફાના ખૂનના કણે કણમાં ઝેર વ્યાપી ગયું. તેણે તત્કાળ હુકમ કર્યો કે અત્યારે ને અત્યારે એ  મહમદ બિન કાસિમને જીવતો ને જીવતો, મરેલા સુવરના ચામડાંમાં સીવી મારી આગળ હાજર કરો.

     ખલીફા વલીદના આવા હુકમમાં કોણ કમી આવવા દે? ખલીફા વલીદના સૈનિકો દાહર પ્રદેશમાં આવી પહોંચ્યા. કાસિમ તો ખુશીમિજાજમાં હતો એને તો મનમાં એમ કે આપણું સ્થાન મહામંત્રી સુધી અનામત થઇ જ ગયું. એણે ખબર નહીં કે નિર્દોષ નારીને કે નિર્દોષ બાળકોને મારવાથી કે મરાવવાથી મારી એવી જ હાલત થશે. ખુદાનો ન્યાય અદલ છે. જે જેવું કરે છે ખુદા તેને તેવું આપે છે.

       બીજાનું કાશળ કાઢનારા કોઈ પણ હોય, ઈશ્વર તેનું જ કાશળ કાઢી નાખે છે. બીજાને મારનારો સ્વયં પોતે જ કમોતે મરાય છે. બીજાને હેરાન કરનાર જીવનમાં હેરાન થઇ જાય છે.

      ઈરાનના ખલીફા વલીદનું વર્તન જોઈ સૂર્યાએ કહ્યું કે ‘બદલો વળી ગયો પદ્મા! આપણા મા બાપનું અને આપણા વીરોનું, વિરાંગનાઓનું અને નિર્દોષ નગરજનોનું શ્રાદ્ધ થઇ ગયું. પદ્મા કાંઈ સમજી નહીં. એટલું સમજી કે આપણા દેશ માટે કાંઇક આપનાથી સારું થયું છે.

      સૈનિકો આવતાંની સાથે જ મહમદ બિન કાસિમની ધરપકળ કરી. તે વિચારમાં પડી ગયો. તે કહેવા લાગ્યો કે કાં? આમ કેમ? પણ તેની વાત સાંભળવા કોઈએ કાન ન દીધા.વાતને કોઈએ પણ ન સાંભળી. તેને પકડી જીવતો જ મોટા મરેલા ભૂંડના ચામડામાં સીવી દીધો.

     બિન કાસિમ વિનંતી કરતો રહ્યો પણ તેની વાત સાંભળવવામાં સૌ કોઈ બહેરા થયા. શાસ્ત્રો અને સુફીઓ કહે છે કે જેણે ગરીબની આહ ન સાંભળી હોય અને તેને સ્વાર્થ ખાતર સતાવ્યા હોય તો એક દિવસ સતાવનારની આહ પણ કોઈ સાંભળતું નથી. બિન કાસિમને રીબાઇ રીબાઇને મરેલા ભૂંડમાં મરવું પડ્યું. કેવું મોત કહેવાય? કેટલું હશે દર્દભર્યું એ મરણ?

      ભૂંડમાં સીવાયેલા અને મરણ પામેલા કાસિમને લાત મારી ખલીફાએ તેને ગાળો ભાંડી. મૂર્ખ! તે મારી મજાક કરી? તને મારું અપમાન કરવાનું સુજ્યું? નીચ! હરામ ખોર! તને તો મારે વધારે સતાવતો હતો. આમ કહી તેણે ઉમેર્યું કે તને તો ખુદા કદી માફ નહીં કરે.

      આપણું કામ થઇ ગયું પહ્મા! હવે આપણે આપણા સબંધીઓ પાસે જ જશું ને?’ પદ્મા સમજી ગઈ કે મરનાર કોણ હતો. તે ખુશીમાં આવી સૂર્યાને ભેટી પડી. બહેન!’કામ થઈ ગયું. મારે આટલું જ જોઈતું હતું.’

      ઈરાનનો ખલીફા વલીદ, મહમદ બિન કાસિમથી નાપાક કરાયેલી રાજકુમારીઓને, જયારે બનેલી વાત કરવા આવ્યો ત્યારે તે બન્ને રાજકુમારીઓ વાત સાંભળતાં સાંભળતાં અંતરમાં હાસ્ય કરતી બન્ને કન્યાઓએ પોતાના પાલવમાં છુપાવેલી ખંજર કાઢી ચુપ ચાપ એક બીજાને ખોસી દીધી! છેલે તે રાજ કન્યાઓના ઉદગારો સ્રવી ગયા કે “અમને કોણ નાપાક કરશે? અમારા દેશવાસી કોઈ નાપાક ણ થયા તો અમે શા માટે નાપાક થઇએ? અમારા ગરીબ અને વિશ્વાસુ પ્રજાને નિર્દયતાથી મારાનારને અમે આવો જ દંડ આપશું.” એમ કહેતાં જોત જોતમાં પ્રાણ પંખેરું ઉડી ગયું. કહેવાય છે કે આવી રીતે મરણને ભેટનાર વ્યક્તિ નિશ્ચય ભગવાનના ધામમાં પ્રયાણ કરે છે.

       આ છે સંસ્કારી સંતાનો! આવા સંતાનો આપણા વારષામાં અવતરે એવી જ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. સદાય આ દેશના બાળકો અને બાલિકાઓ પોતાના ધર્મમાં રહે અને પોતાનું કર્તવ્ય નિભાવે અને દેશમાં શાશ્વત સનાતન ધર્મ રહે એવી પ્રભુચરણોમાં પ્રાર્થના.

     આપણામાં જ્યાં સુધી વેદ અને વૈદિક શાસ્ત્રોની સુરક્ષાની નેમ છે, એમનું ચિંતવન છે એમની વિશેષતાની જાણ છે અને એમનું અધ્યયન છે ત્યાં સુધી કોઈ હરકત નથી કે કોઈ પણને કોઈ કાંઈ કરી શકે.