પાઠ મળે તો જ સીધા થાય

0
543
પાઠ મળે તો જ સીધા થાય

નદીને કિનારે એક નાનું ગામ હતું. તે ગામનું નામ સોનલપુર હતું. તેમાં એક ઠગારો રહેતો હતો. તેનું નામ કનકરામ હતું. ગામના રસ્તે થઈ કોઈ પણ મુસાફર પસાર થાય તો તેને એ કનકરામ ઠગ્યા વિના કોરો જવા દે જ નહી.

કનકરામથી અનેક માણસો કંટાળી ગયા હતા પણ એ ઠગારાને પાઠ કોણ ભણાવે? એના જેવો જ કોઈ આવે તો પણ તેને પાઠ ભણાવી શકે નહી. તેના કરતા કોઈ સવાયો આવે તો જ તેને મેથીપાક આપે અને બરોબર જિંદગીનો પાઠ ભણાવે.

તોફાની ગધેડાની શાન કુંભાર જ ઠેકાણે લાવી શકે છે. મદોન્મત થયેલા અધિપતિઓને તેમના દીકરા જ ઠેકાણે કરી શકે છે. ઉદ્ધત બનેલા સંચાલકોને પોતાના જ પેટ પહોંચે છે. ‘કોઈ વધારે તાકતવાળો મુસાફર આવી જાય તો ક્નીયાને સીધો કરી દે, એનું પેટ તો એને હમણાં પુગે એમ નથી.’ આમ લોકો વાતો કરતા હતા પણ કોઈ કાંઈ કરી શકતું ન હતું. બધા એમ માનતા હતા કે મગરના મોઢામાં હાથ કોણ નાખે?

ભાલાંધારનો એક મુસાફર પોતાના ઘોડાપર સવાર થઈ એક બકરી સાથે ત્યાંથી પસાર થતો હતો. કનક ઠગારે મુસાફરને જોયો એટલે સીધો ત્યાં પહોચી ગયો અને તેણે તે મુસાફરને કહ્યું કે મારે તારી ઘોડી સાથેની બકરી લેવી છે. જેટલા રૂા. થાય એટલા બોલ. તને અત્યારે રોકડા ચૂકતે કરી આપું પણ મને આ ઘોડા સાથેની બકરી છે તે જોઈએ છે.

મુસાફરને ખબર મહી કે આ ઠગારો છે. તેણે રૂા.ના લોભમાં આવી તે ઠગારાને કહ્યું કે રૂા. ૫૦૦ આપ તો અત્યારે આપી દઉ. ગજવામાંથી રૂા. ૫૦૦ કાઢી ઠગારે મુસાફરને આપ્યા અને કહ્યું કે હવે તું હેઠો ઉતર. મેં તને ઘોડા સાથે બકરીના રૂા. ૫૦૦ આપ્યા છે. તારી બકરીના કોણ નવરો છે કે ૫૦૦ રૂા. આપી દે?

મુસાફર હેબતાઈ ગયો. તેને કાંઈ સુજ્યું નહી. પોતાની બુદ્ધિ પ્રમાણે પ્રથમ તેને સમજાવવા ખુબ પ્રયત્ન કર્યો પણ ઠગારો તો ઠગારો હતો. રકઝક પુરા વેગમાં હતી. આ રકઝકમાં ગામના બીજા કેટલાક ડોકરા ભેગા થઈ ગયા હતા. મુસાફર ડોકરાને પોતાની વાત સમજાવવા લાગ્યો અને ગામનો ઠગારો પોતાની વાત કહેવા લાગ્યો. ડોસાઓએ બેયની વાત સાંભળીને કહ્યું કે મુસાફર ભાઈ! તમે ભૂલ કરી છે. હવે તો તમારે નિયમ પ્રમાણે આપવું જ પડે.

મુસાફરે વિચાર કર્યો કે અહી ક્રોધ કરવામાં કાંઈ મળવાનું નથી. જે કાંઈ મળ્યું છે તે પણ ગુમાવવું પડશે અને માથેથી માર ખાવાનો રહેશે એ અલગ. માટે અહી જો અક્કલ કામ આવે તો કાંઈક લાભ થાય. આમ પોતાની અક્કલને ખતરાની સાંણસે વાપરવાનું નક્કી કર્યું. આમેય આજ ખોટ ગઈ જ છે હજુ ભલે થોડી વધારે જાય. જો ભગવાન ભેળો ભળશે તો આપણું કામ થઈ જશે અને જો એનું ભાગ્ય જોર કરતું હશે તો એને મોજ મળશે.

ઠગારા જ્યાં વધારે હોય ત્યાં વધારે ડહાપણ કરાય નહી. તેને બોધ આપવાનું પણ વિચારવું પડે. તેને પગ કેટલા પુગે છે એ પ્રથમ જોઈ ત્યારબાદ કાંઈક પગલા લેવાય. ઠગારાને પાઠ આપવો એમાં કદી વિચારવાનું ન હોય પણ સમય કોને સાથ આપે છે એ તો જરૂર જોવું પડે, નહી તો અમથા રોળાઈ જવાય છે. સમયનો સથવારો લઈ બુદ્ધિના પગલે પગલે જો આગળ વધાય તો સફળતામાં લગભગ ખાંચ આવતી નથી.

શેઠ! તમે મને રૂા. ૫૦૦ ભલે આપ્યા પણ મારી આ રેશમી પાઘના એક મુઠી તાંદુલ અને તે પકાવવા માટે એક નાની તપેલી આપશો? તો થોડું જમી પછી મારે ગામ ચાલ્યો જાઉં.

હા, લાવ, તારી પાઘ અને ચાલ મારા ઘેર. ત્યાં ટોળે વળેલા માણસોમાં કોઈ એકાદ માણસને જરા ગંધ આવી હોય એમ લાગ્યું હતું એટલે એ ટોળામાં રહેલા બધા માણસો ત્યાં તે ઠગને ઘેર પહોંચી ગયા.

ઘરમાં જઈ તે ઠાગરે પોતાની પત્નીને કહ્યું કે જલદી જલદી આ મુસાફરને એક મુઠી ચોખા આપ અને એક નાની તપેલી આપ. ત્યારે તેની પત્ની મુઠી ચોખા લઈ તે મુસાફરને આપવા આવી એટલે તે મુસાફર પોતા પાસે રહેલો એક છરો બહાર કાઢી તે બાઈની મુઠી લેવા માંડ્યો. બાઈએ તો કાગરાડ કરી મેલી. તરત ગામના લોકો ભેગા થઈ ગયા. તાસીરાને તો કાંઈ તેડું હોય નહી!

સાહેબ આપણી વાત એમ થઈ હતી છે કે મુઠી તાંદુલ આપો.મને મુઠીથી ભરીને ચોખા આપો એમ તો મેં કહ્યું નથી. જેમ મારો ઘોડો તમે લઈ શકો છો તેમ હું આ મુઠી પણ લઈ શકું છું.

ઠગારો કાંઈ પણ બોલી શક્યો નહી. ચુપચાપ કહે કે મુસાફર! મને માફ કરો અને આ તમારો ઘોડો અને આ તમારી બકરી. તમને જોઈતા હોય તો રૂા.૫૦૦ પણ લઈ જાઓ પણ મારી પત્નીની મુઠી દયા કરીને છોડી દો.

પાઠ ન મળે તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કોઈ કામમાં લગતી નથી. પોતાની મેળે કોઈ સુધરતું નથી. લાકડું ભલે સાગવાન હોય પણ તેને પ્રથમ સુથારની કોડમાં જાવું પડે. એ સિવાય એ બરાબર કામમાં આવતું નથી. તો જેની લાઈન આઉટ થઈ ગઈ હોય તેને પાઠ (દંડ) આપ્યા વગર કેમ સુધારી શકાય?

ભગવાન સ્વામિનારાયણ એટલે તો શિક્ષાપત્રીમાં કહે છે કે નાના પ્રકારના કીમીયાઓ કરીને જે કોઈને ઠગતો હોય તો તેનો સંગ પણ ન કરવો. ઠગારાના સહવાસમાં પોતે ઠગાઈ જાઈએ છીએ. જો કદાચ ક્યાંક મુસાફરની પેઠે સપડાઈ જવાય તો જરૂર તેને પાઠ ભણાવવો.

LEAVE A REPLY