Satsang Apps

જયા પાર્વતી વ્રત

ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા જયારે ગોકુળ વૃંદાવનમાં હતા ત્યારે તેમના હાવ ભાવ જોઈ અનેક ગોપ બાલિકાઓને મનમાં ભગવાન સંગાથે લગ્ન કરવાનો ઉમળકો જાગ્યો.

કેવો ઉમળકો? કોઈનો બદલાવ્યો બદલે નહી એવો દ્રઢ નિશ્ચયતા પૂર્વકનો ઉમળકો. એ કહાન પોતાના પ્રિયતમ થાય એ માટે તો કાંઈક તો કરવું જ જોઈએ.

એક દિવસ ગોપ બાલિકાઓ સાથે મળી અરસ પર્સ વિચાર મંથન કરે છે કે ‘ જો મહાદેવીની પ્રસન્નતા આપણા ઉપર થાય તો એ નંદજીના લાડકા કનૈયા સંગાથે આપણા લગ્ન થાય જ! પરંતુ એ મહાદેવીને આપણે કેમ રાજી કરી શકીએ? એમને રાજી કરવાનો ઉપાય તો કાંઈક હશે ને?’ ત્યારે એક નિર્દોષ બાલિકા બોલી કે  ‘મારી મા કહેતા હતા કે આપણી દીકરીને સારી જગ્યાએ અથવા તેને ગમે તેવા કુંવર સંગાથે લગ્ન કરાવવા હોય તો કાત્યાયની દેવીનું વ્રત કરવું જોઈએ અથવા લક્ષ્મીદેવીનું વ્રત કરવું જોઈએ તો ભગવાન જેવો સુખી અને રૂપાળો, ધનવાન અને મીઠાબોલો પતિ મળે.’ આમ તે વાતો કરતા હતા અને ‘હું એ વાત સાંભળી ગઈ. પછી મારી મા એમ બોલ્યા કે હજુ તો આપણી દીકરી નાની છે મોટી થાશે એટલે આપણે એને વ્રત કરવાનું જરૂર કહેશું.’

હા, હા, એ તારી વાત બરાબર છે. આમ વચ્ચમાં સર્વે ગોપ બાલિકાઓ એકી અવાજે બોલતાં નાચી ઉઠી કે આપણો ઉત્તર મળી ગયો. હવે આપણે યમુના કિનારે જઈ મા કાત્યાયની દેવીનું વ્રત કાલથી પ્રારંભ કરી દઈએ. જ્યાં સુધી આપણો સંકલ્પ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી આ વ્રત આપને દરવર્ષે કરતા રહીશું. માતાજી આપણી ઈચ્છા જરૂર પરિપૂર્ણ કરશે.

ગોપ બાલિકાઓએ પોતાની રીતે એ વ્રત ચાલુ રાખ્યું અને ભગવાને તેમની ઈચ્છા પણ પૂરી કરી. વ્રતની સમાપ્તિ પણ ધામધુમથી કરી.

હવે અષાઢ માસમાં આવતું જયા પાર્વતી વ્રત સંસ્કારી બહેનોએ કરવું જોઈએ. જો સમય અનુકુળ ન હોય, અન્ય કોઈ તકલીફ હોય અથવા આ વ્રત કરી શકાય એવી કોઈ શક્યતા ન હોય તો પછી કોઈ બહેનોને કે સાધકોને પૂછી તેનું નિવારણ કરવું.

પ્રારંભેલું કોઈ પણ વ્રત વચ્ચે ક્યારેય છોડાય નહી. જેમ કે કોઈ નિયમ લેવામાં આવ્યું હોય તો તેને વચ્ચે છોડો તો કરેલા અનુષ્ઠાનનું ફળ મળતું નથી. વિશેષમાં  વચ્ચે છોડ્યું તેનું વિપરીત ફળ પણ જોવા મળે છે. તેમાં પણ જો પોતાની રીતે કે પોતાના મનના નિર્ણયે તે વ્રતને કે નિયમને છોડવામાં આવે તો ઈચ્છિત ફળમાં ઘણું વિપરીત જોવા મળે છે.

પોતાના ગુરુના વચને કે સાક્ષાત ભગવાનની આજ્ઞાએ કોઈ પણ વ્રત છોડવામાં આવે તો કોઈ જાતની બાધ આવતો નથી. ફળમાં કોઈ ઉણપ આવતી નથી. ગુરુ વચને એકાદશીના દિવસે પણ રાજગરાનો બાજગરો પણ ખવાય છે અને ગુરુ વચન લોપી સંતોએ માત્ર પલાળેલો બાજરો ખાધો તો પણ ભગવાને કહ્યું કે એના કરતા અમારી ઘોડી અખંડ વ્રત રાખે છે. આમ પ્રારંભેલા વ્રતમાં ખાંચો, પોતાની કલ્પનાએ કરવો અયોગ્ય છે. જયારે ભગવાન, સંતો કે સાક્ષાત પોતાના ગુરુ તેના વચને વ્રતત્યાગ પણ પૂર્ણ ફળ આપનારું છે.

જયાપાર્વતી વ્રત સામાન્ય રીતે પાંચ દિવસ હોય છે અને વ્રત સમાપ્તિએ જાગરણ કરવાનું હોય છે. વ્રતમાં ઉપવાસ અને મનની વૃતિને માતાજીના ધ્યાનમાં પરોવાની હોય છે. આવું કઠોર વ્રત ન થઈ શકે તો એક વખત ભગવાનને અને માતાજીને ભોગમાં ભરેલું પવિત્ર ભોજન કરવું અને મનને જ્યાં ત્યાં પંચવિષયમાં ભટકવા દેવું નહી. પછી દિવસમાં જયારે ઠીક લાગે તેમ જેવું ઠીક લાગે તેવું અને ગમે ત્યાં બધું જમવું બરાબર ન કહેવાય. પરંતુ કાંઈ ન કરે તેના કરતા થોડુક કરે એ સારું એ ન્યાયે ફળ મળે.

આ વ્રત દરમ્યાન અને સમાપ્તિએ પવિત્ર સંતોને, ગાય માતાને, નાની બાલિકાઓને અને ગરીબોને યથાશક્તિ કાંઈક આપવું જોઈએ અથવા પોતાના વડીલો કહે કે ગુરુ કહે તે પ્રમાણે શક્તિ અનુસાર વ્રત સમાપ્તિ સુધી કરતા રહેવું જોઈએ.

આ વ્રત દરમિયાન સમયને વ્યર્થ બકવાદમાં કે વ્યર્થ અશ્લીલ રમતોમાં અથવા જ્યાં ત્યાં ભટકીને ગુમાવવો નહી. જાગરણમાં આખી રાત ભગવાનના કે માતાજીના કીર્તનો ગાવા સાંભળવામાં થાકી જવાય તો થોડી બેચાર કલાક તો રાખવી જો0ઈએ. પછી થાકી જવાય તો થોડીવાર ક્યાંક ફરી આવીએ પણ શરૂઆતમાં અને અંતમાં તો જરૂર કીર્તન ભક્તિ રાખવી જોઈએ.

આ વ્રત દરમિયાન પોતાના ઇષ્ટદેવના ચરિત્રો કે માતાજીની પ્રેરક કથાઓ સાંભળવી વધારે મહત્વની કહેવાય છે. સંતોના કે મીરાંબાઈ, ગોદમ્બા, લાડુબા, લાધીબા, જેવા ભક્તોના ચરિત્રો સાંભળવા તો કરેલા વ્રતનું પૂરેપૂરું ફળ મળે છે.

વ્રતની સમાપ્તિએ માતાજીનાં ૧૦૮ નામોનો પાઠ કે માતાજીની સ્તુતિ અચૂક ગાવવી જોઈએ. તો કરેલાં વ્રતનું ફળ જલદી અને સારું મળે છે.

આ વ્રત કરવામાં અને વચ્ચે કાંઈક તોટક આવવાના સંજોગોમાં વડીલ સદગુરૂઓનું કે પવિત્ર સાધ્વીઓનું મંતવ્ય ગ્રહણ કરવું વધારે ઈષ્ટ છે.

આ વ્રત દરમિયાન પોતાના ઈષ્ટદેવ અને માતાજીની વિધિપૂર્વક વિશેષ પૂજા કરવી જોઈએ. સમાપ્તિના દિવસે ગાયને ઘાસ તો અવશ્ય આપવું જોઈએ. સારા શણગાર સજી ભગવાનના કે માતાજીના દર્શન કરવા જવું જોઈએ. આ વ્રતમાં પોતાની સખી સહેલીઓને અવશ્ય પ્રેરણા આપવી જોઈએ.